પ્રયાગરાજમાં કુંભ મેળાના મંડપમાં આગ લાગી; સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નથી

પ્રયાગરાજ – અત્રે દિગંબર અખાડા નજીક આજે કુંભ મેળા માટે બાંધવામાં આવેલા એક મંડપમાં આગ લાગતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કુંભ મેળો સત્તાવાર રીતે આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે.

આગને તરત જ કાબૂમાં લાવી દેવામાં આવી હતી.

અધિકારીઓએ કહ્યું કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના કે કોઈને ઈજા થઈ હોવાનો તત્કાળ અહેવાલ મળ્યો નથી.

દિગંબર અખાડામાં એક શિબિરના રસોડામાં ગેસનું એક સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી.

વહીવટીતંત્રએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

આગ જેવી દુર્ઘટનાનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાંના ભાગરૂપે દિગંબર અખાડામાં લાગેલી આગને બુઝાવવા માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો.

કુંભ મેળા માટે પ્રયાગરાજમાં સલામતીનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કુંભ મેળો 55 દિવસ ચાલશે અને ચોથી માર્ચે સમાપ્ત થશે.

આ વખતના કુંભ મેળામાં 12 કરોડ જેટલા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ ભાગ લે એવી ધારણા છે.

કુંભ મેળામાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે.