ગુજરાત સરકાર દેશમાં સૌથી પહેલીઃ ગરીબ સવર્ણોને 10 ટકા અનામતનો સોમવારથી આરંભ

ગાંધીનગર – ગુજરાત સરકારે આજે મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ મહત્ત્વની જાહેરાત કરી છે કે રાજ્યમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામતના લાભનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવશે. સરકારી નોકરીઓ તથા  શિક્ષણ સંસ્થાઓમાં સવર્ણ જાતિઓના આર્થિક રીતે ગરીબ લોકોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.

આર્થિક રીતે દુર્બળ હોય એવા સવર્ણ લોકોને 10 ટકા અનામત આપવાના ખરડાને સંસદે ગયા અઠવાડિયે મંજૂરી આપી દીધી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ખરડા પર હસ્તાક્ષર કરીને પોતાની મંજૂરી આપી દીધી છે.

આમ, આ ખરડો હવે કાયદો બની ગયો છે. આ કાયદાનો અમલ કરનાર ગુજરાત દેશનું પહેલું જ રાજ્ય બન્યું છે.

14 જાન્યુઆરીના મકર સંક્રાંતિ તહેવારથી જ ગુજરાતમાં ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ મળતો થશે.

આ હેતુસર 14 જાન્યુઆરી, 2019 પછી ગુજરાતમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામત નો લાભ આપવામાં આવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે 14 જાન્યુઆરી, 2019 પહેલાં જે જે ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક પરીક્ષા તેમજ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ  છે તેમને આ અનામતનો લાભ લાગુ થશે નહીં.

ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે.

આ 10 ટકા અનામત SC, ST અને SEBCને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે બિનઅનામત વર્ગોને 10 ટકા અનામત આપવાના લીધેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિણર્ય લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]