JNU દેશદ્રોહ કેસમાં દિલ્હી પોલીસે કન્હૈયા કુમાર, અન્યો સામે કોર્ટમાં આરોપનામું નોંધાવ્યું

નવી દિલ્હી – દિલ્હી પોલીસે અત્રેની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓનાં સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર તથા અન્ય કાર્યકર્તાઓ સામે JNU દેશદ્રોહ કેસ અંતર્ગત આજે અહીંની પટિયાલા હાઉસ કોર્ટમાં 1,200 પાનાંનું આરોપનામું (ચાર્જશીટ) નોંધાવ્યું છે. અન્ય કાર્યકર્તાઓમાં ઉમર ખાલીદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય તથા દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અમુલ્ય પટનાયકનો સમાવેશ થાય છે. આ કેસ 2016માં નોંધવામાં આવ્યો હતો.

હવે પટિયાલા હાઉસ કોર્ટ આવતીકાલે, મંગળવારે આ આરોપનામા પર વિચારણા કરશે.

આ ચાર્જશીટ ભારતીય ફોજદારી કાયદાની અનેક કલમો હેઠળ નોંધાવવામાં આવી છે. આ કલમોમાં 124-A (દેશદ્રોહ), 323 (સ્વૈચ્છિક રીતે હાનિ પહોંચાડવી), 465 (બનાવટ), 471 (બનાવટી દસ્તાવેજનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવો), 143 (ગેરકાયદેસર રીતે ટોળું બનાવવું), 149 (સમાન ઈરાદા સાથે ગેરકાયદેસર રીતે ટોળું બનાવવું), 147 (રમખાણો કરવા) અને 120B (ક્રિમિનલ ષડયંત્ર).

પોતાની સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ હોવાના સમાચાર અંગે પ્રત્યાઘાત આપતાં કન્હૈયા કુમારે કહ્યું કે ચૂંટણી નિકટ આવી રહી છે એ જ વખતે મારી સામે ચાર્જશીટ ફાઈલ કરવાનું પગલું રાજકારણ પ્રેરિત છે. હું પોલીસ તથા મોદીજીને અભિનંદન આપવા માગું છું. ત્રણ વર્ષ પછી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે અને તે પણ લોકસભાની ચૂંટણી આડે અમુક જ મહિના બાકી છે ત્યારે. આ તો સ્પષ્ટપણે રાજકારણ પ્રેરિત છે. મને મારા દેશના ન્યાયતંત્ર પર વિશ્વાસ છે.

ઉલ્લેખનીય છે કે, સંસદભવન પરના આતંકવાદી હુમલાના સૂત્રધાર અફઝલ ગુરુને ફાંસી અપાઈ એની વિરુદ્ધમાં કન્હૈયા કુમાર, ખાલીદ અને ભટ્ટાચાર્યએ 2016ની સાલમાં, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કથિતપણે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમની ધરપકડ કરવામાં આવી હતી. એમની ધરપકડને પગલે ભારે વિવાદ થયો હતો. વિરોધ પક્ષોએ એવો આરોપ મૂક્યો હતો કે દિલ્હીની પોલીસે શાસક ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ કામ કર્યું છે.

જેએનયૂ ખાતે યોજવામાં આવેલા તે વિવાદાસ્પદ કાર્યક્રમમાં દેશવિરોધી નારા લગાડવામાં આવ્યા હતા. કન્હૈયા કુમાર એની ધરપકડને પગલે સમાચારોમાં ચમક્યો હતો. એની ધરપકડ બાદ દેશભરમાં વ્યાપકપણે દેખાવો કરવામાં આવ્યા હતા.