ખોટા સમાચારનો ફેલાવો: ન્યૂઝ પોર્ટલ સામે પોલીસ-FIR

ચેન્નાઈઃ ફેક ન્યૂઝનો ફેલાવો કરવા અને તામિલનાડુમાં પરપ્રાંતીય કામદારોમાં ગભરાટ ફેલાવવા બદલ ચેન્નાઈના ઉપનગર અવાડીના પોલીસ વિભાગે ન્યૂઝ પોર્ટલ ‘Opindia.com’ સામે એફઆઈઆર નોંધી છે અને તપાસ આદરી છે. દ્રવિડ મુન્નેત્ર કળગમ (ડીએમકે)ના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના એક સભ્યએ નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે ઉક્ત વેબસાઈટના સીઈઓ રાહુલ રુસન અને તંત્રી નુપૂર શર્મા સામે કેસ નોંધ્યો છે.

તે ન્યૂઝ પોર્ટલે એવો અહેવાલ આપ્યો હતો કે તામિલનાડુમાં બિહારી પરપ્રાંતિય મજૂરો પર કથિતપણે હુમલા કરવામાં આવ્યા છે. પોલીસે તે અહેવાલોને રદિયો આપ્યો હતો અને કહ્યું કે કથિત હુમલા વિશે સોશિયલ મિડિયા પર સર્ક્યૂલેટ થયેલા વિડિયો નકલી છે અને તે તામિલનાડુના નથી. તામિલનાડુ રાજ્યના પોલીસ વડા સૈલેન્દ્ર બાબુએ મિડિયાતંત્રને વિનંતી કરી છે કે તેઓ જવાબદારીપૂર્વક વર્તે.