નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આજે સાંજે 4 વાગે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને એમાં 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજને લગતી માહિતી આપશે. આ આર્થિક પેકેજની જાહેરાત ગઈકાલે રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના દેશવ્યાપી સંબોધનમાં કરી હતી.
નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સન્યાલે કહ્યું છે કે સંપૂર્ણ પેકેજ બેથી ત્રણ તબક્કામાં આપવામાં આવશે. આ પેકેજમાં સમાજના દરેક વર્ગને મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ 49 દિવસથી દેશ કોરોના સામે જંગ લડી રહ્યું છે. લોકડાઉનના કારણે દેશને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે હવે દેશને ફરીથી ઊભું કરવા માટે મોદી સરકારે ગઈકાલે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ દેશના જીડીપીના આશરે 10 ટકા જેટલું છે અને 2020-21ના સ્વીકૃત બજેટ એટલે કે 30 લાખ કરોડથી આશરે 10 લાખ કરોડ રૂપિયા ઓછું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે આ પેકેજથી કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કામદારો, ખેડૂતો અને મધ્યમ વર્ગને લાભ થશે. સાથે જ ભારતીય ઉદ્યોગ જગતને પણ નવી તાકાત મળશે.
અત્યાર સુધીમાં ભારતીય રિઝર્વ બેંકે બે તબક્કામાં આશરે 4.74 લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે સૌથી પહેલા 27 માર્ચે રિઝર્વ બેંકે રોકડ વધારવાના અનેક ઉપાયોની જાહેરાત કરી હતી અને રેપો રેટમાં 75 બેસિસ પોઇન્ટમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સીઆરઆર ઘટાડીને 4 થી 3 ટકા કરાયો હતો. પહેલો ટાર્ગેટ લાંબા ગાળાનો રેપો ઓપરેશન દ્વારા સિસ્ટમમાં રૂ .1 લાખ કરોડના રોકડ પ્રવાહની વાત કરવામાં આવી હતી.
આનાથી લગભગ 3.74 લાખ કરોડ રુપિયાની રોકડ સિસ્ટમમાં આવવાની વાત કરવામાં આવી રહી હતી. 17 એપ્રિલે રિઝર્વ બેંકે ફરીથી 1 લાખ કરોડના રોકડનો પ્રવાહ વધારા પગલાં લીધાં. નાણાં પ્રધાન સીતારામને 1.7 લાખ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને મદદ કરવાનું કહેવામાં આવ્યું હતું.