CAPFની કેન્ટીનો બનશે સંપૂર્ણ સ્વદેશીઃ અમિત શાહની જાહેરાત

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત ઝુંબેશને શરુ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગૃહ મંત્રી અમિત શાહે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અમિત શાહે ટ્વીટ કર્યું કે, હવે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિઝ એટલે કે CAPF ની કેન્ટીનોમાં માત્ર સ્વદેશી સામાનોનું જ વેચાણ થશે. નવો નિયમ 1 જૂનથી એટલે કે આવતા મહિનાથી લાગુ થશે. તેમણે દેશવાસીઓને પણ દેશમાં બેનેલા જ ઉત્પાદનોનો વધારેમાં વધારે ઉપયોગ કરવાની અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા કહ્યું કે, હું દેશની તમામ જનતાને અપીલ કરું છું કે તમે દેશમાં બનેલા જ ઉત્પાદનોનો વધારેમાં વધારે ઉપયોગ કરો અને અન્ય લોકોને પણ આ મામલે પ્રોત્સાહિત કરો. દરેક ભારતીય જો, ભારતમાં બનેલા ઉત્પાદનનો ઉપયોગ કરવાનો સંકલ્પ કરે તો, 5 વર્ષમાં દેશનું લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે.

તેમણે જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે, હવે સીએપીએફની કેન્ટીનોમાં દેશમાં બનેલા ઉત્પાદનોનું જ વેચાણ કરવામાં આવશે. તેમણે ટ્વીટ કર્યું કે, આ જ દિશામાં આજે ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની કેન્ટીનો પર હવે માત્ર સ્વદેશી ઉત્પાદનોનું જ વેચાણ થશે. 1 જૂન 2020 થી દેશભરની તમામ CAPF કેન્ટીનો પર આ નિયમ લાગુ થશે. આશરે 10 લાખ CAPF કર્મચારીઓના 50,00,000 પરિજનો આનો ઉપયોગ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કરેલા પોતાના સંબોધનમાં આત્મનિર્ભર ભારત ઝુંબેશની અપીલ કરી હતી. આના માટે તેમણે 20 લાખ કરોડ રુપિયાના એક મોટા પેકેજની જાહેરાત પણ કરી છે. વડાપ્રધાને દેશવાસીઓને લોકલ પર વોકલ થવાની અપીલ કરી હતી.