16 મેએ વાવાઝોડું ફૂંકાવાની સંભાવનાઃ IMD

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગમાં હવાનું નીચું દબાણ સર્જાઈ રહ્યું છે. આને લીધે આવતી 16 મેએ ચક્રવાતી વાવાઝોડું આવવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ આંદામાન સાગર અને બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગમાં એક લો પ્રેશર બની ગયું છે. 15 મેએ ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. તે વાવાઝોડું 16 મેએ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય વિસ્તાર તરફ આગળ વધે એવી સંભાવના છે.

નૈઋત્યનું ચોમાસું સમયસર આગળ વધે છે

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું 16મેની આસપાસ આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર દ્વીપ તરફ આગળ વધશે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને એની સાથેના આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બની રહ્યું છે. જે સંભવિત રીતે 15 મેએ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો તરફ આગળ વધશે અને 16 મેની સાંજ સુધીમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે. આ વાવાઝોડું ચોમાસાને આગળ વધવામાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે, એમ IMDના ડિરેક્ટર મૃત્યુજંય મહાપાત્રાએ જણાવ્યું હતું.

કેરળમાં ચોમાસું પહેલી જૂને બેસશે

આ વર્ષે ચોમાસું કેરળમાં પહેલી જૂને બેસશે. આ વર્ષે દેશમાં ચોમાસું ચાર મહિના ચાલે એવી ધારણા છે. જોકે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના જેવાં રાજ્યોમાં ચોમાસું બેસવામાં સામાન્ય તારીખોની તુલનાએ 3-7 દિવસનો વિલંબ થશે જ્યારે દિલ્હીમાં ચોમાસું  23-27 જૂન સુધીમાં બેસશે. એ જ રીતે મુંબઇ અને કોલકાતા માટે 10થી 11 જૂન અને ચેન્નઈ માટે એકથી ચાર જૂન સુધીની ચોમાસું બેસશે.