નવી દિલ્હીઃ ભારતીય કિસાન યુનિયન (BKU)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે જ્યાં સુધી કૃષિ કાયદા રદ નહીં થાય, ત્યાંસુધી પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ઘેર પાછા નહીં જાય. તેમની આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાના અમલ પર સ્ટે મૂક્યો એ પછી આવી છે. જ્યાં સુધી આ કાયદાઓ પરત નહીં ખેંચાય, ત્યાં સુધી અમે અમારા ઘરે જવાના નથી, એમ તેમણે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ કૃષિ કાયદાની સમીક્ષા કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી. જે ખેડૂતો સાથે આ ત્રણે કાયદાને રદ કરવાની માગ કરી રહ્યા છે. આ સમિતિના સભ્યોમાં ભૂપિન્દર સિંહ માન, પ્રમોદકુમાર જોષી-ડિરેક્ટર ઓફ સાઉથ એશિયા, આંતરરાષ્ટ્રીય ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને મહારાષ્ટ્ર શેતકરી સંગઠનના પ્રમુખ અનિલ ગણાવત છે.
BKUના યુથ લીડર ગૌરવ ટિકૈતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે કાયદાઓ પર સ્ટે મૂક્યો છે, એ અમારા ખેડૂતોની માગની સામે વિજય સમાન છે, પણ અમારી લડાઈ લઘુતમ ટેકાની કિંમત (MSP) માટેની છે. આ કાયદાઓ સરકારે અમારી પર ઠોકી બેસાડ્યા છે. શું કામ ખેડૂતોની તેમની ખેતપેદાશો અડધી કિંમતે વેચે? આ એક મોટી લડાઈ અને અમે એ જીતીશું.