ચેતજો! નિયમોને નેવે મૂકી ફેસબુક પાસેથી તમારો ડેટા માગે છે સરકાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર નિયમોને નેવે મૂકીને ફેસબુક પાસેથી યૂઝર્સની જાણકારી માગી રહી છે. સરકાર તરફથી છેલ્લા બે વર્ષમાં ફેસબુક ઈમરજન્સી અનુરોધ હેઠળ યૂઝર્સની જાણકારી માગવાની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. ગુરુવારે ફેસબુક તરફથી જાહેર કરાયેલા ટ્રાન્સપરેન્સી રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

કંપનીના તાજેતરના રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર તરફથી ઈમરજન્સી અનુરોધ હેઠળ યૂઝર્સ સાથે જોડાયેલી સૂચનાઓ માગવામાં ઘણો ઝડપી વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2019ના પ્રથમ 6 મહિનામાં સરકારે 1615 લોકોની જાણકારી માગી હતી.

આ પહેલા વર્ષ 2018ના અંતિમ 6 મહિનામાં 861 લોકોની જાણકારી માગવામાં આવી હતી. કુલ મળીને ગત વર્ષે 1478 ફેસબુક યૂઝર્સની જાણકારી માટે સરકાર તરફથી આપાતકાલીન અનુરોધ કરવામાં આવ્યો. આ વર્ષ 2017ની સરખામણીએ 3 ગણી વધારે છે. સામાન્ય રીતે અમેરિકન કંપની ફેસબુક પાસેથી યૂઝર્સની જાણકારી પરસ્પર કાનૂની સહાય સંધિ હેઠળ માગવામાં આવે છે. જેમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પણ સામેલ હોય છે. પણ આપાતકાલિન અનુરોધ ડાયરેક્ટ ફેસબુક સાથે લો ઈન્ફોર્સમેન્ટ ઓનલાઈન રિક્વેસ્ટ સિસ્ટમ મારફતે માગવામાં આવે છે. ફેસબુકના રિપોર્ટ અનુસાર ઈમરજન્સીમાં લો એજન્સી કોઈ કાયદાકીય પ્રક્રિયા વગર તેમની રિકવેસ્ટ મોકલી શકે છે.

વર્ષ 2016માં ફેસબુક પાસે સામાન્ય નિયમોને કિનારે કરીને સરકાર તરફથી માત્ર એક ટકા આપાતકાલિન રિકવેસ્ટ મળી હતી હવે કુલ રિકવેસ્ટમાંથી આપાતકાલિન રિકવેસ્ટ લગભગ 7 ટકા થઈ ગઈ છે.  આ વર્ષે સૌથી વધુ કન્ટેન્ટ દૂર કરવા મામલે ભારત છઠ્ઠા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેટ સ્પીચ, હિંસા ભડકાઉ ઘર્મ વિરોધી કન્ટેન્ટ, માનહાનિ, ઉગ્રવાદ, સરકાર વિરોધી અને દેશ વિરોધી મામલાના આરોપમાં કન્ટેન્ટ દૂર કરાવવામાં આવ્યા હતા.