હવે જમીયતને અયોધ્યામાં પાંચ એકર જમીન ખપતી નથીઃ રિવ્યુ પિટીશન કરશે?

લખનઉઃ દેશના પ્રમુખ મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન સ્વીકારવાની ના પાડી દીધી છે. સંગઠનના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અયોધ્યા મામલે નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે જે પાંચ એકર જમીન મસ્જિદ માટે આપી છે, તેને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે ન લેવી જોઈએ. અન્ય એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ એક સમીક્ષા અરજી દાખલ કરવાની શક્યતાઓનો ખ્યાલ મેળવવા માટે પાંચ સભ્યોની સમિતિની નિમણૂંક કરવામાં આવી છે. અરશદ મદનીની અધ્યક્ષતા વાળી આ પાંચ સદસ્યીય સમિતિ આ મામલે આગળ વધતા પહેલા કાયદાકીય સલાહ લેશે.

મદનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે વારંવાર કહીએ છીએ કે કાયદો અને પુરાવાના સ્તંભ પર જે નિર્ણય આવશે તેને સન્માનની નજરથી જોવામાં આવશે. પરંતુ તે અજીબોગરિબ ઘટના છે કે નિર્ણય કંઈક એવો છે કે જે કાયદાના મોટા જાણકારોની સમજ બહાર છે.

તેમણે કહ્યું કે, નિર્ણયમાં એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદ, મંદિર તોડીને નથી બનાવવામાં આવી. એપણ કહેવામાં આવ્યું છે કે મૂર્તિ મૂકનારા અપરાધી છે અને મસ્જિદ તોડનારા પણ અપરાધી છે. પરંતુ હવે એ જ લોકોને બાબરી મસ્જિદ વાળી જગ્યા આપી દેવામાં આવે છે. અમે નિર્ણયનું સન્માન કરીએ છીએ પરંતુ એ વાત નથી સમજાતી કે આ કેવી રીતે આવ્યો.