નવી દિલ્હી- એનડીએ સરકારના સહયોગી રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગામી અયોધ્યા યાત્રાની ટીકા કરી છે. અઠાવલેએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે એક વખત તો શું 10 વખત અયોધ્યૈ જશે તો પણ રામમંદિરનું નિર્માણ નહીં થાય. અઠાવલે કેન્દ્ર સરકારમાં સામાજિક ન્યાયપ્રધાન પણ છે.તેમણે કહ્યું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાની રાહ જોવી જ જોઈએ. તે પહેલાં શિવસેનાએ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યાં પછી એકવખત ફરીથી રામમંદિરના નિર્માણની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. 5 જૂને શિવસેનાના મીડિયા સેલે આ વાતની જાણકારી આપી હતી કે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આ મહિનાના અંત સુધીમાં અયોધ્યા જશે.તેમાં કહેવાયું છે કે ઉદ્ધવ ઠાકરેની સાથે પાર્ટીના 18 સાંસદ પણ અયોધ્યા જઈ શકે છે. અયોધ્યામાં આ સમયે ભારે સંખ્યામાં સાધુ સંતો પહોંચી રહ્યાં છે. બીજી તરફ સૂત્રોના કહેવા પ્રમાણે શિવસેના પ્રમુખ 17મી લોકસભાનું પહેલું સત્ર શરુ થાય તે પહેલાં અયોધ્યા જઈ શકે છે, સંસદનું સત્ર 17 જૂનથી શરૂ થઈ રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરે 15થી 17 જૂનની વચ્ચે અયોધ્યામાં રોકાઈ શકે છે. ઠાકરેની નજીકના અને પાર્ટીના મીડિયા પ્રભારી હર્ષલ પ્રધાને ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જવાની વાતને સમર્થન આપ્યું હતું. હર્ષલના કહેવા પ્રમાણે આ અંગેની વિસ્તૃત જાણકારી પાર્ટી તરફથી ઝડપથી જાહેર કરી દેવામાં આવશે. અયોધ્યામાં દેશના વિભિન્ન હિસ્સામાંથી પહોંચેલા સાધુ સંતો અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે પીએમ નરેન્દ્ર મોદી માટે સંકલ્પપત્ર જાહેર કરશે.
ઉદ્ધવ ઠાકરે આ પહેલાં નવેમ્બર 2018માં અયોધ્યા ગયાં હતાં. તે વખતે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સરકારને રામ મંદિર નિર્માણ માટેની તારીખની ઝડપથી જાહેરાત કરવાની માગ કરી હતી. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટેના વટહૂકમને પણ તેઓ સમર્થન કરશે. આપને જણાવી દઈએ કે તમામ મતભેદોને ભૂલાવીને પણ ભાજપ અને શિવસેના મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં.