આયો રે આયો, કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે આગળ વધવાની રાહ…

કેરળઃ દેશના મોટાભાગમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે ત્યાં દેશવાસીઓને રાહત થાય અને સરકારના શ્વાસ હેઠાં બેસે તેવા ખુશખબર મળ્યાં છે. કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. આમ તો  કેરળમાં ચોમાસાનું આગમન નિયત સમય કરતાં એક અઠવાડિયા મોડું થયું છે. પરંતુ છેવટે મેઘરાજાએ મહેર કરતાં વરસાદ પડ્યો છે અને સૌએ લાપસીના આંધણ મૂકવાની ઘડી આવી છે.શનિવારે બપોરે કેરળમાં વિધિવતપણે  ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના જનરલ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં સારી માત્રામાં વરસાદ પડી રહ્યો છે.દેશનો મોટોભાગ ખેતી પર નભતો હોવાના કારણે ચોસામા પર જ અર્થતંત્રનો મદાર રહેતો હોય છે ત્યારે છેલ્લાં 48 કલાકથી કેરળ સહિત સમગ્ર દેશમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી હતી.હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ કેરળના કાંઠે પહોંચે તેવી વકી હતી. આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસવાની શક્યતા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારમાં 9-11 જૂન દરમિયાન રેડ અને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં આવેલા વિનાશક પૂરના કારણે કેરળમાં 350 લોકોનાં મોત થયા હતાં

ચોમાસાની પરિભાષામાં રેડ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદ. આગામી 10મી જૂન દરમિયાન એર્નાકુલમ, માલાપ્પુરમ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આગામી 11 જૂન માટે કોઝીકોડે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છેદરમિયાન દક્ષિણ ભારતના કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ છેલ્લા 24 કલાકમાં ભારેથી મધ્યમ વરસાદ થયો છે. બંગાળની ખાડી પર સર્જાયેલા પ્રેશરના કારણે આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં અને અરબ સાગર પર સક્રિય થયેલી સિસ્ટમના કારણે કર્ણાટકના કાંઠા વિસ્તારમાં તેમજ બેંગ્લુરૂ શહેરમાં વરસાદ વરસ્યો હતો. કર્ણાટકમાં કેટલાક ઠેકાણે 3 એમએમથી લઈને 1 એમએમ સુધીનો વરસાદ વરસ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]