કોરોનાનું સંક્રમણ રોકવા સાઇકલ જેવાં વાહનોને પ્રોત્સાહન આપોઃ મંત્રાલય

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી દરમ્યાન લોકો દ્વારા પરિવહનનાં ખાનગી વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપે એ માટે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોને લગતા મંત્રાલયે રાજ્યોને સલાહ આપી કે એ સંક્રમણને રોકવા માટે સાઇકલ જેવા બિન-મોટર (એન્જિન વગરનાં) વાહનોને પ્રોત્સાહનો આપે. મંત્રાલયે રાજ્યોને જાહેર પરિવહન વાહનોમાં રોકડ રહિત ટેક્નિક લાગુ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.

સાઇકલસવારો માટે 40 માઇલ લાંબો નવા માર્ગ

મંત્રાલયે કોરોના વાઇરસ સંકટની વચ્ચે બિન-મોટર ચાલિત પરિવહનને પ્રોત્સાહન આપતાં વિશ્વનાં શહેરોનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે અમેરિકાના ન્યુ યોર્કે સાઇકલસવારો માટે 40 માઇલ લાંબા નવા માર્ગ બનાવ્યા છે અને ઓકલેન્ડે 10 ટકા ગલીઓને મોટર વાહનો માટે બંધ કરી દીધી છે. કોલંબિયાના બોગોટાએ તાત્કાલિક સ્વરૂપે 76 કિલોમીટર વધારાનો સાઇકલ માર્ગની વ્યવસ્થા કરી છે.

મોટર વગરનાં વાહનોને દેશમાં પ્રોત્સાહન આપો

મંત્રાલયનાં સચિવ દુર્ગા શંકર મિશ્રાએ શુક્રવારે રાજ્યો અને મેટ્રો રેલ કંપનીઓને પરામર્શ જારી કરતાં કહ્યું કે મોટર વગરનાં વાહનોને દેશમાં પ્રોત્સાહન આપવામાં આવે.

તેમણે કહ્યું હતું કે શહેરોમાં લોકોને વધુમાં વધુ પાંચ કિલોમીટર સુધીની યાત્રા કરવાની હોય છે. આવામાં કોવિડ-19 સંકટની વચ્ચે મોટર વગરનાં વાહનોને પરિવહનમાં લાગુ કરવાનો યોગ્ય તક છે, કેમ કે એટલા માટે ઓછા ખર્ચ અને ઓછા માનવ સંસાધનની આવશ્યકતા છે. એને ચલાવવી સરળ છે અને એ પર્યાવરણને અનુકૂળ છે.