રશિયન મૈત્રીઃ પુતિન ભારતને 22-ટન સામગ્રી મોકલશે

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીની બીજી વિનાશક લહેરનો સામનો કરી રહેલા ભારતને અનેક દેશો તરફથી મદદ કરવામાં આવી રહી છે. રશિયા પણ તાકીદની માનવતાવાદી સહાય મોકલી રહ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે એમના દેશનું ઈમરજન્સી મંત્રાલય ભારતને 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ્સ, 75 લન્ગ વેન્ટિલેટર્સ, 150 મેડિકલ મોનિટર્સ અને આવશ્યક દવાઓના બે લાખ પેક્સ જેવી 22 ટન જરૂરી સામગ્રી મોકલશે. આ સામગ્રી સાથેની બે ઈમરજન્સી ફ્લાઈટનું આજે વહેલી સવારે ભારતમાં આગમન પણ થઈ ચૂક્યું છે. એક નિવેદનમાં પુતિને લખ્યું છે કે કોરોનાવાઈરસના ફેલાવાનો સામનો કરવાના આ કઠિન સમયમાં નરેન્દ્ર મોદીને મારો સાથ-સહકાર છે. વડા પ્રધાન મોદીએ પણ ભારતને સહાયતા કરવા બદલ ટ્વિટરના માધ્યમથી પુતિનનો આભાર માન્યો છે.

બંને નેતાએ ગઈ કાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. રશિયન કોરોના-પ્રતિરોધક રસી ‘સ્પુતનિક-વી’ને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાના ભારત સરકારના નિર્ણયને પુતિને આવકાર આપ્યો હતો. ભારતીય કંપનીઓ ‘સ્પુતનિક-વી’ રસીના 850 ડોઝ તૈયાર કરશે. તેનું ઉત્પાદન મે મહિનામાં શરૂ કરાશે.