નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી છે. કોર્ટે એને અનુચ્છેદ 19 (1) (A)નું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવી છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે SBI રાજકીય પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી બોન્ડની વિગતો રજૂ કરશે. બેન્કે વધુમાં કહ્યું હતું કે SBI ચૂંટણી પંચને 2019થી અત્યાર સુધી જારી કરવામાં આવેલા બોન્ડની માહિતી આપશે અને ઇલેક્શન કમિશન પૂરી માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવશે.
સુપ્રીમ કોર્ટમાં કુલ ચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસનાં નેતા જયા ઠાકુર, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી અને NGO એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ચૂંટણી બોન્ડની કાયદેસરતા પર સવાલ ઊભા કર્યા હતા. અરજીકર્તાઓએ દાવો કર્યો હતો કે ચૂંટણી બોન્ડે રાજકીય પાર્ટીઓના ફન્ડિંગને ઘણું પ્રભાવિત કર્યું હતું. એ સાથે લોકોની માહિતીના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે ગયા વર્ષે 31 ઓક્ટોબરે આ મામલે સુનાવણી શરૂ કરી હતી.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જસ્ટિસની બંધારણીય બેન્ચે ગયા વર્ષે બીજી નવેમ્બરે આ કેસમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
શું છે ચૂંટણી બોન્ડ?
કેન્દ્રની મોદીના નેતૃત્વવાળી સરકારે 2017માં ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને ફાઇનાન્સ બિલ દ્વારા સંસદમાં રજૂ કરી હતી. સંસદમાં પાસ થયા પછી 29 જાન્યુઆરી, 2018એ ઇલેક્ટોરલ બોન્ડ યોજનાનું નોટિફિકેશન પણ જારી કર્યું હતું. આ બોન્ક દ્વારા રાજકીય પાર્ટીઓને ફંડ મળે છે. દેશનો કોઈ પણ નાગરિક, કંપની કે સંગઠન આ બોન્ડ ખરીદી શકે છે અને કોઈ પણ પક્ષને આપી શકે છે.