જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારો અને યુવકોની વચ્ચે ચૂંટણીઃ PM મોદી

ડોડાઃ જમ્મુ-કાશ્મીરમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં બધા પક્ષોના નેતાઓ ચૂંટણીપ્રચાર જોરશોરથી કરી રહ્યા છે, ત્યારે વડા પ્રધાન મોદી પણ ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે ડોડા પહોંચ્યા છે. વડા પ્રધાને ચૂંટણી સભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે પરિવારવાદે જમ્મુ-કાશ્મીરને પાછળ રાખી દીધું છે. કાશ્મીરમાં એક તરફ ત્રણ પરિવારો છે તો બીજી તરફ કાશ્મીરી યુવા છે.

તેમણે ચૂંટણી સભાને સંબોધતા ક્હ્યું હતું કે તમે બધા અહીં ડોડા, કિશ્તવાડ અને રામબનના અલગ-અલગ ભાગોથી પહોંચ્યા છે. તમારા ચહેરા પર થાકનું નામોનિશાન નથી દેખાતું. તમારા પ્રેમની બે ગણી- ત્રણ ગણી મહેનત કરીને ચૂકવીશ. અમે અને તમે મળીને એક સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરીશું અને આ મોદીની ગેરંટી છે.

આજ સુધીમાં ત્રણ પરિવારોએ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું છે. તેમને કારણે હજારો બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભાજપે આતંકથી પીડિત લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. પહેલાં કાશ્મીરમાં પથ્થરમારો થતો હતો. હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાગ્ય નકી કરશે.

વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે  તમે અહીં જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો હતો, તેમણે તમારાં બાળકોની ચિંતા કરી નથી. તેમણે માત્ર પોતાનાં બાળકોને જ આગળ વધાર્યાં છે, પરિવારવાદને પ્રોત્સાહન આપતા પક્ષોએ જમ્મુ-કાશ્મીરના મારા યુવાનોને આતંકવાદમાં ફસાવી તેમને ગેરમાર્ગે દોરતા રહ્યા છે. આ લોકોએ રાજ્યમાં ક્યાંય પણ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી.

‘ આ લોકો (વિપક્ષ) બંધારણને પોતાના ખિસ્સામાં રાખે છે. તેઓ પોતાનાં કાળાં કૃત્યો છુપાવવા માટે આ પ્રકારનો દેખાડો કરે છે. જમ્મુ-કાશ્મીરના લોકો જાણે છે કે વાસ્તવિકતા શું છે. આ લોકોએ બાબા સાહેબે બનાવેલા બંધારણની આત્માને ફાડી નાખી હતી.