નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં દેશના આઠ રાજ્યોમાં મતદાન જારી છે. પાંચમા તબક્કામાં બપોરે ત્રણ કલાક સુધી 47.53 ટકાથી વધુ મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે. કાશ્મીરમાં સતત મતદાન વધી રહ્યું છે. અહીં રેકોર્ડ મતદાન થઈ રહ્યું છે. બારામુલ્લા લોકસભા સીટ પર બપોરે ત્રણ કલાક સુધી 45.22 ટકા મતદાન થયું છે. પાંચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ તો મહારાષ્ટ્રમાં બપોરે ત્રણ કલાક સુધી સુસ્ત મતદાન થયું હોવાના અહેવાલો છે. બંગાળમાં ભાજપ અને TMCના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના અહેવાલ છે.
HDFCના ચેરમેન દીપક પારેખે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે મત આપ્યા પછી કહ્યું હતું કે દેશમાં સ્થિર સરકાર હોવી બહુ જરૂરી છે. આપણને સ્થિર સરકારની જરૂર છે. સ્થિરતા વિકાસ માટે જરૂરી છે.
લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે ત્રણ કલાક સુધી બિહારમાં 45.3, જમ્મુ-કાશ્મીરમાં 44.9, લદ્દાખમાં 61.3 ટકા, ઝારખંડમાં 53.9 ટકા, મહારાષ્ટ્રમાં 38.8, ઓડિશામાં 49 ટકા ઉત્તર પ્રદેશમાં 47.5, અને પશ્ચિમ બંગાળમાં 62.70 ટકા મતદાન થયું હતું.લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ EVMમાં કેદ થશે. આ તબક્કામાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ જેવા ઉમેદવારો મેદાનમાં છે.
આ સિવાય પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.