નવી દિલ્હીઃ દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ચોમાસામાં વીજ પડવી સામાન્ય બાબત છે, પણ જળવાયુ પરિવર્તનને કારણે દેશમાં વીજ પડવાની ઘટનાઓ ચિંતાજનક દરથી વધી રહી છે, એમ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. દેશમાં વીજ પડવાથી પ્રતિ વર્ષ 1900 લોકોનાં મોત થાય છે. દેશમાં 1967થી 2020 સુધી વીજ પડવાથી 1,01,309થી વધુ લોકો માર્યા ગયાં છે, જ્યારે 2010થી 2020 સુધી આવી ઘટનાઓ ઝડપથી વધી છે, એમ ઓડિશાની ફકીર મોહન યુનિવર્સિટીના નેતૃત્વમાં સંશોધનકર્તાઓએ કહ્યું હતું.
તેમણે રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં વીજ પડવાની ઘટનાઓમાં સતત વૃદ્ધિના સંકેત મળે છે, જેને એને જળવાયુ પરિવર્તનથી ઊભી થયેલી કુદરતી આફતોમાં એક મુખ્ય જીવલેણ આફત બને છે. વાર્ષિક આધારે આવી મોતોની સંખ્યા આ આકડાથી ક્યાય વધુ હોઈ શકે છે, કેમ કે બહુબધા લોકો ગામોમાં રહે છે, જ્યાં આવી ઘટનાઓની સૂચના પોલીસને નથી આપવામાં આવતી.
દેશમાં વર્ષ 1967થી 2002ના સમયગાળામાં રાજ્યનો સરેરાશ વાર્ષિક મૃત્યુદર 38થી વધીને 2003થી 2020 દરમ્યાન 61 થયો હતો. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ વૈશ્વિક તાપમાનમાં વધારો એ પણ વીજ પડવાની ઘટનાઓમાં વધારાનું એક કારણ છે.ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ નવી અને આધુનિક પ્રણાલીની મદદથી હવામાન વિભાગ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને પહેલેથી જ ચેતવણી આપી દે છે. જોકે વિશ્લેષકોનું કહેવું છે કે આ સિસ્ટમને વધુ અસરકારક બનાવવાની જરૂર છે, જેથી ખેતરોમાં કામ કરતા લોકોને અને ઘેટાં-બકરાં ચરાવતા લોકોને એની સટિક માહિતી મળી રહે.