ઝારખંડમાં મંત્રી મિથિલેશ ઠાકુરને ત્યાં EDના દરોડા

રાંચીઃ ઝાંરખંડના પાટનગર રાંચીમાં હેમંત સરકારના મંત્રી મિથિલેશ ઠાકુરના સ્થળો પર EDની ટીમ દરોડા કરવા પહોંચી છે. રાજ્ય સરકારના પેય જળ સ્વચ્છતા મંત્રી મિથિલેશ ઠાકુરના PS અને તેમના ભાઈના ઘરે EDની ટીમે એકસાથે 20 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જળ જીવન મિશન સંબંધિત યોજનાઓમાં ગેરરીતિઓના આરોપો હેઠળ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. EDએ મંત્રી મિથિલેશ ઠાકુરના ભાઈ વિનય કુમાર, ખાનગી સચિવ હરેન્દ્ર સિંહ સહિત અનેક વિભાગીય એન્જિનિયર્સના ઠેકાણે દરોડા પાડ્યા હતા. બીજી બાજુ એક સિનિયર IASની બહેનના ઘરે પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સર્ચ ઓપરેશનની કાર્યવાહી દરમ્યાન એક IAS મનીષ રંજનના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ પહેલાં સરકારના એક વધુ મંત્રી પણ સેશ કાંડમાં ફસાયેલા હતા. ઝારખંડ સરકારના ભૂતપૂર્વ મંત્રી આલમગીર આલમ કેશ કાંડ મામલે જેલમાં બંધ છે.

પાછલા દિવસોમાં હઝારીબાગ ખાતે એક સભામાં PM મોદીએ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમણે રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોને લઈને અટકળોનું બજાર ગરમ છે. અહેવાલો અનુસાર ચૂંટણી પંચ દિવાળી આસપાસ ચૂંટણી યોજે એવી શક્યતા છે. ચૂંટણી પંચ આગામી સપ્તાહમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરે એવી શક્યતા છે.