કૌભાંડમાં અજિત પવારના નામને મુદ્દે ED, મુંબઈ પોલીસ સામસામે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સહકારી બેન્કથી જોડાયેલા કથિત રૂ. 25,000 કરોડના કૌભાંડ મુદ્દે ED અને મુંબઈ પોલીસ આમનેસામને આવી ગયા છે. એક તરફ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો છે, જ્યારે ED એનો વિરોધ કરી રહી છે અને EDએ એની વિરુદ્ધ હસ્તક્ષેપ અરજી ફાઇલ કરી દીધી છે. આ મામલામાં મુંબઈ પોલીસે અજિત પવારનું નામ ઉમેર્યું હતું, પણ હવે મુંબઈ પોલીસે કહ્યું છે કે સહકારી બેન્કના કથિત કૌભાંડથી કોઈને નુકસાન નથી થયું.

મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સિસ વિંગે (EOWએ) કોર્ટમાં એક લેખિત દલીલ કરી છે, જેમાં એણે EDના હસ્તક્ષેપને ફગાવ્યો છે. કહેવામાં આવ્યું છે કે સાસંદો અને વિધાનસભ્યોથી જોડાયેલા કેસો માટે એક વિશેષ કોર્ટે પહેલાં જ આ પ્રકારની અરજી દાખલ કરી દીધી હતી.

વર્ષ 2020માં પહેલાં પણ અને હવે પણ EOWએ આ વર્ષે માર્ચમાં ફરીથી મામલાને બંધ કરવાના પ્રયાસ કર્યો હતો અને ક્લોઝર રિપોર્ટ દાખલ કર્ચો હતો. ઓગસ્ટ, 2019માં હાઇકોર્ટના આદેશ પછી નોંધવામાં આવેલી FIRમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુગર સહકારી સમિતિઓ, સ્પિનિંગ મિલો અને અન્ય સંસ્થાઓ દ્વારા જિલ્લા અને સહકારી બેન્કોથી પ્રાપ્ત હજારો કરોડ રૂપિયાનાં દેવાંને ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં અને એને ચૂકવવામાં નહોતાં આવ્યાં.

જોકે આ વર્ષે માર્ચમાં, EOW એ ફરીથી કેસ બંધ કરવા વિનંતી કરી હતી કે ‘કથિત છેતરપિંડીથી બેંકને કોઈ નુકસાન થયું નથી.’ સુપ્રીમ કોર્ટ તરફથી નિમણૂક કરાયેલા ન્યાયાધીશે તારણ કાઢ્યું હતું કે ખાંડ મિલોને આપવામાં આવેલી લોનને કારણે બેંક દ્વારા કોઈ અયોગ્ય નુકસાન થયું નથી અને બેંક કાયદાકીય રીતે ફેક્ટરીઓ પાસેથી રકમ વસૂલ કરી રહી છે.