નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને CBIએ ગઈ કાલે આઠ કલાકની લાંબી પૂછપરછ પછી ધરપકડ કરી લીધી હતી. સિસોદિયા પર દારૂ નીતિમાં કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કથિત કૌભાંડને લઈને મહિનાઓથી ED અને CBI આપ નેતાની પૂછપરછ કરી રહી છે. આ પહેલાં આમ આદમી પાર્ટીના અન્ય નેતા અને દિલ્હીના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈનની EDએ ધરપકડ કરી હતી. જૈન પર મની લોન્ડરિંગ મામલે કાર્યવાહી થઈ હતી અને તેઓ અનેક મહિનાઓથી તિહાડ જેલમાં બંધ છે. આ પહેલાં CBI અને ED છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલીય વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પર મની લોન્ડરિંગ અને કૌભાંડોને લઈને કાર્યવાહી કરી ચૂકી છે.
મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની નજીકના અને શિવસેનાના મોટા નેતા સંજય રાઉતને ગયા વર્ષે EDએ ધરપકડ કરી હતી. રાઉત પર ગોરેગામમાં એક ચાલની જમીનની હેરાફેરીનો આરોપ હતો. એ પહેલાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અને NCP નેતા અનિલ દેશમુખને નવેમ્બર, 2021માં મની લોન્ડરિંગ મામલામાં ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના કેટલાય વધુ નેતાઓ પર આ દરમ્યાન દરોડા પાડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતા પી. ચિંદબરમ પર પણ CBIએ 2019માં સકંજો કસ્યો હતો. ચિદંબરમ પર INX મિડિયાને વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપવામાં ગરબડ કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસઅધ્યક્ષ ડીકે શિવકુમારને EDએ મની લોન્ડરિંગ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.
બિહારમાં RJD નેતા અને સાંસદ એડી સિંહની EDએ જૂન, 2021માં મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી. લાલુના નજીકના ભોલા યાદવને પણ CBIએ ગયા વર્ષે રેલવે ભરતી કૌભાંડમાં ધરપકડ કરી હતી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકાર શિક્ષણપ્રધાન પાર્થ ચેટરજીને EDએ શિક્ષણ ભરતી કૌભાંડમાં ધરપકડ કરી હતી. પાર્થનાં એક મિહાલ મિત્રના ઘરેથી દરોડામાં રૂ. 50 કરોડથી વધુની રોકડ જપ્ત થઈ હતી. આ મામલે TMC યુથ વિંગના નેતા કુંતલ ઘોષ અને શાંતનુ બનેરજીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પશુ તસ્કરી મામલે TMC નેતા અનુબ્રત મંડલની ધરપકડ કરવામાં આવી હતી, અનુબ્રતની પાસે કરોડો રૂપિયાની રોકડ મળી હતી.