નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2030 સુધી 500 ગિગાવોટ રિન્યુએબલ એનર્જી (RE)ના લક્ષ્યને પૂરા કરવા માટે 30.5 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણની જરૂર પડશે. સંસદમાં રજૂ કરવામાં આવેલા સર્વે અનુસાર એ લક્ષ્યને હાંસલ કરવા માટે નાણાં એકત્ર કરવાની સાથે-સાથે સ્પર્ધાની શરતો પર મૂડીરોકાણ અને જમીન અધિગ્રહણના મુદ્દાનું સમાધાન જરૂરી છે.
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 2024થી 2030ની વચ્ચે ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આશરે રૂ. 30.5 લાખ કરોડના મૂડીરોકાણની અપેક્ષા છે. એનાથી આ ક્ષેત્રે નોકરીની તકો વધશે.
સર્વે કહે છે કે દેશમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રને 2014થી 2023ની વચ્ચે 8.5 લાખ કરોડ રૂપિયા (રૂ. 102.4 અબજ ડોલર)નું નવું મૂડીરોકાણ મળ્યું, જ્યારે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે એપ્રિલ, 2000થી માર્ચ 2024 સુધીમાં 17.88 અબજ ડોલરનું સીધું મૂડીરોકાણ (FDI) મળ્યું હતું.
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટો માટે જમીન અધિગ્રહણમાં રાજ્ય સરકારોએ મુખ્ય ભૂમિકા નિભાવવી જોઈએ. ભારતે 2030 સુધી ઊર્જા સંસાધનોથી વીજ ઉત્પાદન માટે 50 ટકા કુલ સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય વીજ ઓથોરિટીની રાષ્ટ્રીય ઇલેક્ટ્રિસિટી યોજના અનુસાર હાઇડ્રો પાવર, ન્યુક્લિયર, બાયોમાસ, લઘુ હાઇડ્રો પાવર આધારિત ક્ષમતા 2023-24માં કુલ સ્થાપિત ક્ષમતાના 441.9 ગિગાવોટમાંથી આશરે 203.4 ગિગાવોટ (કુલના 46 ટકા) છે. વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 500 ગિગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે આશરે 34 લાખ નોકરીઓનું સર્જન થવાની વકી છે.