નવી દિલ્હીઃ ગુરુ રવિદાસ જયંતીને લક્ષમાં રાખીને ચૂંટણી પંચે પંજાબ વિધાનસભાની સિંગલ-તબક્કાની ચૂંટણીમાં મતદાન 14 ફેબ્રુઆરીને બદલે 20 ફેબ્રુઆરીએ કરવાનો આજે નિર્ણય લીધો છે.
વર્તમાન શાસક કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષો તરફથી મળેલી વિનંતીઓ બાદ ચૂંટણી પંચે 117-બેઠકોની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો દિવસ બદલવાનો નિર્ણય લીધો છે. શ્રી ગુરુ રવિદાસની જયંતી 16 ફેબ્રુઆરીએ છે અને પંજાબમાંથી ઘણા લોકો રવિદાસ જયંતીની ઉજવણીમાં ભાગ લેવા વારાણસી જતા હોય છે. ઘણાં લોકો ઉજવણીના દિવસના એક અઠવાડિયા પૂર્વે જ વારાણસી જતા હોય છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી અને પરિણામનો દિવસ યથાવત્ રહેશે – 10 માર્ચ.