નવી દિલ્હીઃ હૈદરાબાદસ્થિત અગ્રગણ્ય ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડિઝ લેબોરેટરીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક દવા ટુ-ડોક્સી-ડી-ગ્લુકોઝ (2-DG) જૂન મહિનાના મધ્યભાગથી દેશની બજારોમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, કંપનીએ એવી સ્પષ્ટતા કરી છે કે આ દવા હજી બજારમાં ઉપલબ્ધ કરવામાં આવી નથી અને તેના સેશે (પાઉચ)ની કિંમતની જાહેરાત કરાવાની પણ હજી બાકી છે. 2-DGના નામે ગેરકાયદેસર કે નકલી દવા વેચતા લોકોને ડો. રેડિઝ કંપનીએ ચેતવણી પણ આપી છે.
આ દવા ભારત સરકાર સંચાલિત ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) વિભાગના નિષ્ણાતોએ ડો. રેડિઝ લેબોરેટરીઝના વૈજ્ઞાનિકો-તબીબી નિષ્ણાતોના સહયોગમાં બનાવી છે. તેને દેશની ઔષધ સંચાલક સંસ્થા ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા તાકીદના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. મોટી સરકારી અને ખાનગી હોસ્પિટલોને 2-DG દવાની કમર્શિયલ ઉપલબ્ધતા અને સપ્લાય જૂનના મધ્યભાગમાં શરૂ કરવાની કંપનીની ધારણા છે. સ્વદેશી ફોર્મ્યુલાથી બનાવેલી આ 2-DG દવાના પ્રથમ જથ્થાને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને હાલમાં જ રિલીઝ કર્યો હતો. આ દવા કોરોનાના દર્દીને વહેલા સાજા કરી દે છે અને તે પૂરક ઓક્સિજન તરીકે પણ કામ કરે છે.