રામમંદિર માટે 230-કરોડ કરતાં વધુનું દાન એકત્ર

હરિદ્વારઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી (ટ્રેઝરર) સ્વામી  ગોવિંદ ગિરિએ સમાજના લોકો દ્વારા મંદિર નિર્માણ માટે મળેલા સ્વૈચ્છિક યોગદાનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ મંદિર ભંડોળ હેઠળ રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પન અભિયાન હેઠળ દાન પેટે આ મહિને આશરે રૂ. 230 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. 

આ ઝુંબેશની સફળતાથી અયોધ્યામાં શ્રીરામ જન્મસ્થાન પર બની રહેલા ભવ્ય મંદિરમાં મહત્તમ સંખ્યામાં લોકોનું યોગદાન હશે. રામ મંદિર દેશવાસીઓની અપેક્ષા અને આકાંક્ષાઓનું પ્રતીક છે, જેથી સામાન્ય જનતા પાસે સ્વૈચ્છિક દાન માગવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પ્રયાસોથી 500 વર્ષના સંઘર્ષ અને રાહ જોયા પછી ગયા વર્ષે પાંચ ઓગસ્ટે શ્રીરામ લલ્લાના જન્મસ્થાને ભૂમિપૂજનનું સપનું સાકાર થયું હતું, એમ તેમણે કહ્યું હતું.

શ્રીરામ મંદિર નિર્માણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. ટેક્નિકલ સમિતિ મંદિરના બાંધકામની પ્રક્રિયાની દેખરેખ કરી રહી છે, જેમાં 10 ફૂટ ખોદકામ થઈ ચૂક્યું છે. અમે નેપાળ, ભૂતાન, બંગલાદેશ, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, મલેશિયા સિંગાપુર અને થાઇલેન્ડ અને અન્ય પ્રદેશોમાંથી ધર્મ ગુરુઓને લાવી રહ્યા છે. જેથી તેઓ અયોધ્યા અને દેશના અન્ય ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ શકે.

શ્રીરામ મંદિર નિર્માણ માટે પંચાયતી અખાડા શ્રી નિરંજનનીએ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સચિવને રૂ. 21 લાખનો ચેક આપ્યો હતો. મંદિર માટે અખાડા, સંતો અને સ્થાનિકોએ છુટ્ટે હાથે ફાળો આપ્યો હતો. ભારત માતા ટેમ્પલ ટ્રસ્ટે રૂ. 51,000 દાનમાં આપ્યા હતા.