લખનૌઃ કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને UPની રાયબરેલી સીટથી ઉમેદવાર ઘોષિત કર્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથે કોંગ્રેસ નેતા પર તીખો હુમલો કર્યો છે, જ્યારે CM યોગીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી ફવાદ ચૌધરી દ્વારા કરવામાં આવેલી રાહુલ ગાંધીની પ્રશંસાને મુદ્દો બનાવતાં સવાલ ઊભા કર્યા હતા.
યોગી આદિત્યનાથે પાક નેતા ચૌધરી દ્વારા કરવામાં આવેલી રાહુલ ગાંધીની પ્રશંસાની પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ થયા પછી કટાક્ષ કર્યો હતો. તેમણે રાહલની પોસ્ટનો હવાલો આપતાં કહ્યું હતું કે દુશ્મન દેશના નેતાની પોસ્ટ એ વાતનો પુરાવો છે કે કોંગ્રેસ દેશના કટ્ટર દુશ્મનો સાથે મળેલી છે.
પાક નેતાની પોસ્ટ એ વાતનો પુરાવો છે કે અમારા દુશ્મન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રગતિ અને દેશની સકારાત્મકતાના માહોલને ખરાબ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અમારા કટ્ટર દુશ્મન ચૂંટણીના સમયે દેશમાં અશાંતિ અને ફૂટ ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે દેશ PM મોદી સાથે ઊભો છે. લોકોએ જોવું જોઈએ કે દુશ્મનો દ્વારા રાહુલને પ્રોત્સાહન આપવાના કેવા જબરદસ્ત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના એક ભૂતપૂર્વ વડા પ્રધાન, જે પહેલાં પુલવામામાં અમારી સેના પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાના સમર્થનમાં સામે આવ્યા હતા. તેઓ પણ રાહુલ ગાંધીના પક્ષમાં બોલી રહ્યા છે. આવી ઘટનાઓથી એ ખબર પડે છે કે કોંગ્રેસનો હાથ દેશના દુશ્મની સાથે છે.જો વડા પ્રધાન મોદી આ ચૂંટણીમાં જીતશે તો દેશમાં દિવાળી ઊજવવામાં આવશે, જ્યારે કોંગ્રેસ આ ચૂંટણીમાં જીતશે તો પાકિસ્તાનમાં લોકો ઉત્સવ ઊજવશે. લોકોએ દુશ્મનોના છૂપા ઇરાદાને સમજવા પડશે, એમ તેમણે કહ્યું હતું.