નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એમના સત્તાવાર નિવાસસ્થાને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના ટોચના નેતાઓ સાથે ત્રણેક કલાક સુધી વાતચીત કરી હતી. જમ્મુ-કશ્મીરને રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત કરાવવા માટે ભાવિ વ્યૂહરચના માટેનો તખ્તો તૈયાર કરવા માટે આ મહત્ત્વની બેઠક બોલાવી હતી. બંધારણની 370મી કલમ હટાવ્યા બાદ જમ્મુ અને કશ્મીર રાજ્યનું બે ભાગમાં વિભાજન કર્યા બાદ કેન્દ્ર સરકારે ત્યાંના નેતાઓની આ પહેલી જ વાર બેઠક બોલાવી હતી. બેઠકમાં જમ્મુ-કશ્મીરના ભાવિ અંગે ચર્ચા થઈ હતી. મોદીએ એમ કહ્યું હોવાનું મનાય છે કે ‘રાજકીય મતભેદ ભલે હોય, પણ બધાએ દેશના હિતમાં સાથે મળીને કામ કરવું જોઈએ, જે જમ્મુ અને કશ્મીરની જનતાનાં લાભમાં બની શકે. જમ્મુ અને કશ્મીરમાં બધાય માટે સુરક્ષિત હોય એવું વાતાવરણ સુનિશ્ચિત કરાવવાનું છે. મૈં દિલ્હી કી દૂરી ઔર દિલ કી દૂરી કો ખતમ કરના ચાહતા હૂં.’
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને પીડીપીનાં મેહબૂબા મુફ્તીએ બેઠક બાદ પત્રકારોને કહ્યું કે જમ્મુ-કશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો જલદી પાછો મળવો જોઈએ. બેઠકમાં પૂર્વેના જમ્મુ-કશ્મીર રાજ્યના ચાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને ચાર ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાનો હાજર હતા. નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, એમના પુત્ર અને ઉમર અબ્દુલ્લા, તારા ચંદ (કોંગ્રેસ), મુઝફ્ફર હુસેન બેગ (પીપલ્સ કોન્ફરન્સ), નિર્મલ સિંહ અને કવીન્દ્ર ગુપ્તા (બંને ભાજપ), સીપીઆઈ (એમ) નેતા મોહમ્મદ યૂસુફ તારિગામી, જમ્મુ-કશ્મીર અપની પાર્ટીના વડા અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, જમ્મુ-કશ્મીર કોંગ્રેસ પ્રમુખ જી.એ. મીર, ભાજપ નેતા રવીન્દ્ર રૈના, પેન્થર્સ પાર્ટીના નેતા ભીમ સિંહ પણ હાજર હતા. જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સ્થાનિક નેતાઓનો મોદી સાથે પરિચય કરાવ્યો હતો.