દિલ્હી હિંસાઃ જાવડેકરે દોષનો ટોપલો સોનિયા ગાંધી પર ઢોળ્યો

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે, ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું.

જાવડેકરે કહ્યું કે, હિંસા ભડકાવવાના પ્રયત્નો બે મહિનાથી ચાલી રહ્યા હતા, સોનિયા ગાંધીએ ડિસેમ્બરમાં એક રેલીમાં અંતિમ લડાઈનું આહ્વાન કર્યું હતું. શાહીનબાગમાં મણિશંકર ગયા, તેઓ પાકિસ્તાનમાં વાત કરીને આવ્યા કે શાહીનબાગમાં આશાઓ દેખાઈ રહી છે. શશિ થરુર અને સલમાન ખુર્શીદ પણ ગયા.

તેમણે કહ્યું કે, અમાનતુલ્લાહે શું કહ્યું? ભડકાવવાની કાર્યવાહી છે. પંદર કરોડ, સો કરોડ વાળુ નિવેદન શું છે? આમ આદમી પાર્ટીના પાર્ષદના ઘરેથી તોફાનોમાં વાપવામાં આવેલા પથ્થરો, પેટ્રોલ બોંબ મળી આવે છે, આ શું છે? તેમણે કહ્યું કે, હિંસા ફેલાવવાનો મોટી માત્રામાં સામાન આમ આદમી પાર્ટીના એમએલએ તાહિર હુસેનના ઘરેથી મળી આવ્યો છે. આના પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂપ શાં માટે છે, પત્રકારો પર હુમલા થયા. મને દુઃખ છે કે પત્રકારોને પણ ન છોડવામાં આવ્યા.