4 દિવસ સુધી હિંસા સામે ઝઝુમતું રહ્યું દિલ્હીઃ પોલીસને આવ્યા હતા 13,200 કોલ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાર દિવસ થયેલી હિંસામાં 42 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 200થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે જે હાલ સારવાર હેઠળ છે. ત્યારે આ વિસ્તારમાંથી એવી હચમચાવી દેનારી ઘટનાઓની વાતો સામે આવી રહી છે. હિંસાના સમયે શરૂઆતના 4 દિવસમાં પીડિતોના 13,200 ફોન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં આ કોલના જવાબમાં કંઈક અલગ જ સ્ટોરી સામે આવી હતી.

23 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દિલ્હીની હિંસામાં ઝઝૂમતી રહી. 23 ફેબ્રુઆરીએ પોલીસ કન્ટ્રોલ રુમને હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી 700 ફોન આવ્યા હતા. 24 ફેબ્રુઆરીએ 3500 ફોન આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ 7500 ફોન આવ્યા હતા. 26 ફેબ્રુઆરીએ 1500 ફોન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. જ્યારે 2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ રજિસ્ટરની સમીક્ષા કરી ત્યારે ચિત્ર કંઈક અલગ જ હતુ.
યમુના વિહાર વિસ્તાર ભજનપુરા પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે અને અહીંથી જ હિંસાની શરુઆત થઈ હતી. પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે 24- 26 ફેબ્રુઆરીની વચ્ચે તેમની પાસે લગભગ 3 હજાર કોલ આવ્યા હતા. એ બાદ ન્યૂઝ ચેનલ દ્વારા કોલ રજિસ્ટરના 8 પાનાની સમીક્ષા કરવામાં આવી જેમાં 9 કોલમ હતા. જેવા કે ફરિયાદ શું છે, ક્યારે મળી , ફરિયાદ મળતા શું પગલા લેવાયા વગેરે વગેરે.

આ ફરિયાદમાં યમુના વિહાર વિસ્તારમાં ગોળીબારથી લઈને આગ લાગવા અને પથ્થરમારા સુધીનો ઉલ્લેખ છે. મોટા ભાગની ફરિયાદમાં ‘શુ પગલા લેવાયા’ની કોલમ ખાલી હતી. ઉદાહરણ તરીકે યમુના વિહારમાં એક મહિલાએ 24 તારીખે સાંજે 6.57 વાગે પોલીસને ફોન કર્યો હતો. જેમાં તેણે રમખાણ થઈ રહ્યાની ફરિયાદ નોંધાવી હતી. આની આગળની કોમલ ‘શું કામગીરી કરવામાં આવી’ની હતી, જે ખાલી હતી. જ્યારે યમુના વિહાર વિસ્તારના ભાજપના પાર્ષદ પ્રમોદ ગુપ્તાએ કહ્યું કે તેઓ સતત પોલીસને ફોન કરતા રહ્યાં પણ પોલીસે તેમને ફોન ઉપાડ્યો નહોતો. શિવ વિહારમાં રાજધાની પબ્લિક સ્કૂલને રમખાણો કરનારા અસામાજિક તત્વોએ 60 કલાકથી વધારે બાનમાં લીધી હતી.સ્કૂલના માલિક ફૈસલ ફારુકે જણાવ્યું હતું કે તેઓ સતત પોલીસને ફોન કરતા રહ્યા પણ પોલીસ ન આવી. તેમણે કહ્યું હતું કે અમારા પર સોમવારે હુમલો થયો હતો. 2 વાગ્યા સુધી તમામ બાળકો અને સ્ટાફ જઈ ચૂક્યો હતો. 4-5 વાગ્યો આ બધુ શરુ થયું. અમે સતત ફોન કરતા રહ્યા અને તે કહેતા રહ્યા આવીએ છીએ પણ ન આવ્યા. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર કરાવલ નગર પોલીસ સ્ટેશનની અંદર આવે છે.

કરાવલ નગર પોલીસ સ્ટેશનમાં કોલ લોગને જોતા ખબર પડે છે કે સોમવારે લગભગ 4 વાગે 2 ફોન આવ્યા હતા. બન્ને ફરિયાદમાં સ્કુલ પર હુમલો થયાની વાત કરવામાં આવી હતી. અહીં પણ ફરિયાદની આગળ શું કાર્યવાહી કરવામાં આવી તે કોલમ ખાલી હતી. કેટલીય ફરિયાદની આગળ ‘શું પગલા ભરાય કે શું કામગીરી કરાઈ’ની કોલમ ખાલી હતી.