નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ જાહેર થઇ ચૂક્યા છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.
ઘણી બધી રીતે મહત્વની પૂરવાર થયેલી આ ચૂંટણી તો પતી ગઇ, પણ એના દૂરગામી પરિણામો કેવાક આવી શકે છે એ જાણવું પણ રસપ્રદ બની રહે એમ છે. આવો, એ જાણીએ કે દિલ્હીના પરિણામોની અસર અન્ય રાજ્યોની આવનારી ચૂંટણી પર કેવી અને કેટલા અંશે પડી શકે છે.
દિલ્હીની રાજનૈતિક હવા હવે બિહાર તરફ વળશે કારણ કે આવનારા સમયમાં ત્યાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બિહારની રાજનૈતિક સ્થિતિ પર નજર નાંખીએ તો એક બાજુ જ્યાં ભાજપ જેડીયૂ અને એલજેપીની ત્રીપુટી છે તો બીજી બાજુ પાંચ દળોનું બનેલુ મહાગઠબંધન છે. આમ તો બિહારની રાજનૈતિક લડાઈ દિલ્હીની રાજનીતિથી અલગ છે પરંતુ ત્યાં પણ વિકાસ, સુશાસન, રાષ્ટ્રવાદની સાથે જ સ્થાનિક મુદ્દાઓ પણ હાવી થશે. દિલ્હીમાં વિકાસનો મામલો ભલે રાષ્ટ્રવાદ પર ભારે પડ્યો હોય પરંતુ બિહારની રાજનીતિમાં આને ફગાવી ન શકાય. બિહારની છેલ્લી કેટલીક ચૂંટણીઓ પર નજર નાંખીએ તો ભાજપ પહેલા પણ રાષ્ટ્રવાદની વાતો કરતી રહી છે.
બિહારના ચૂંટણી ઈતિહાસ પર નજર નાંખીએ તો ત્યાં કોઈ એકલુ દળ બાજી મારવાની સ્થિતિમાં નથી. આવામાં બિહારના ચૂંટણી સમીકરણો ગઠબંધનની મજબૂતી સાથે એજન્ડાઓ પર નિર્ભર કરશે. ગત લોકસભા ચૂંટણી જોઈએ તો બિહારમાં રાષ્ટ્રવાદના મુદ્દાએ ભાજપને મતદારો પર મજબૂત પકડ બનાવવામાં ખૂબ મદદ કરી છે. જાતિવાદ અને અનામતનું ફેક્ટર પણ ગત વિધાનસભા ચૂંટણીમાં હાવી રહ્યું હતું, ત્યારે આવામાં જો ગઠબંધન આ તમામ મુદ્દાઓને સાધતા જમીન પર જેટલું મજબૂત દેખાશે તેના પરિણામો એટલા જ ફાયદાકારક સાબિત થશે. આમ તો દિલ્હીની જનતાએ વિકાસના એજન્ડા પર મહોર મારી છે જેને અવગણી ન શકાય.
દિલ્હીના પરિણામોના દ્રષ્ટીકોણથી જોઈએ તો, દિલ્હીની જનતા સ્થાનિક સમસ્યાઓ જેવીકે વિજળી, પાણી વગેરે મુદ્દાઓને ભલે કેન્દ્ર સ્થાને રાખ્યા પરંતુ રાષ્ટ્રવાદને પૂર્ણતઃ નકાર્યો નથી. ભાજપ વોટ શેર અને સીટોના હિસાબથી બીજા નંબરની પાર્ટી બની છે. બિહારમાં સ્થાનિક સમસ્યા, પૂર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે કે જેની ગૂંજ આવનારી વિધાનસભા ચૂંટણીમાં ચોક્કસ સંભળાશે. બિહારમાં ભાજપ જેડીયૂનું ગઠબંધન પણ ખૂબ મહત્વનું સાબિત થવાનું છે. જો કે તેને સત્તા વિરોધી લહેર સામે પણ ઝઝુમવું પડશે. ભાજપ સહિત તમામ દળોને દિલ્હીના ચૂંટણી પરિણામોમાંથી શીખામણ લેવી પડશે અને તેનાઓને વિવાદિત નિવેદનો આપતા રોકવા પડશે, કારણ કે દિલ્હીની જનતાએ આને નકાર્યું છે.