દિલ્હીમાં ઝાડ કાપવાને લઈને હાઈકોર્ટે પોતાનો સ્ટે યથાવત રાખ્યો

નવી દિલ્હી- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની લગભગ અડધો ડઝન સરકારી વસાહતોમાં રિડેવલપમેન્ટના નામે 16 હજારથી વધુ વૃક્ષો કાપવાના મામલામાં દિલ્હી હાઈકોર્ટે પોતાનો સ્ટે યથાવત રાખ્યો છે. સાથે જ આ અંગે હાઈકોર્ટે NBCC અને કેન્દ્ર સરકારને પણ નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, વૃક્ષ કાપવાની જરુરિયાત અને બાંધકામના પ્રોજેક્ટને લઈને તેમની તમામ રુપરેખા આગામી સુનાવણી દરમિયાન કોર્ટમાં રજૂ કરે.કોર્ટે એમ પણ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દક્ષિણ દિલ્હીના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યાઓ વધશે. ઉપરાંત પાણીના નિકાલને લઈને પણ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. જોકે, પોતાના પ્રોજેક્ટનો બચાવ કરતા NBCCએ જણાવ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણ વધવા માટેનું સૌથી ગંભીર કારણ પાકનું બળવું છે, નહીં કે બાંધકામ.

આ મામલે અરજીકર્તાએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, આ પ્રકારના પ્રોજેક્ટ્સમાં ઝાડને કાપવામાં તો આવે છે પરંતુ નવા ઝાડને ઉગાડવાનું વચન ભૂલી જવાય છે. જેના લીધે જે વૃક્ષો કાપવામાં આવે છે તેમના બદલે નવા વૃક્ષો ઉગાડવામાં આવતા નથી.

આ કેસની આગામી સુનાવણી હવે 20 ઓગસ્ટના રોજ કરાશે. આ સુનાવણી NBCC માટે પણ ખૂબ મહત્વની રહેશે કારણકે, NBCCએ આ પ્રોજેક્ટ સાથેની બધી માહિતી અને બાંધકામ માટેની પરવાનગીની તમામ વિગતો કોર્ટમાં જણાવવાની રહેશે.