દિલ્હી હાઇકોર્ટે મનીષ સિસોદિયાના જામીન ફગાવ્યા

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે આબકારી નીતિથી જોડાયેલા કૌભાંડથી સંબંધિત મની લોન્ડરિંગના મામલે જેલમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને જામીન અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે સિસોદિયા દિલ્હી સરકારમાં પ્રભાવશાળી પદ પર રહેલા છે. આવામાં જામીન મળવા પર તેમના દ્વારા સાક્ષીઓને પ્રભાવિત કરવાની સંભાવના છે.

જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ કહ્યું હતું કે ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસ શર્માએ કહ્યું હતું કે સિસોદિયા પર આરોપ છે કે ગેરકાનૂની અને ગુનાઇત પ્રવૃતિઓ કરવા માટે જાણીબૂજીને આબકારી નીતિમાં ખામીઓ છોડવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે રૂ. 100 કરોડની લાંચ માટે કેટલીક કંપનીઓને ગેરકાયદે લાભ પહોંચાડવામાં તેમની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એ સાથે કોર્ટે આ મામલી આપ પાર્ટીના ભૂતપૂર્વ મિડિયા પ્રભારી વિજય નાયર, હૈદરાબાદના વેપારી અભિષેક બોઇનપલ્લી અને બિનાય બાબુની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ મામલે તેઓ બધા સહ-આરોપી છે. દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021એ નીતિ લાગુ કરી હતી. ભ્રષ્ટાચારના આરોપોની વચ્ચે સપ્ટેમ્બર, 2022ના અંતમાં એને પરત લીધી હતી.

મનીષ સિસોદિયાની ED દ્વારા નવ માર્ચે દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સિસોદિયા ન્યાયિક કસ્ટડીમાં છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ CBIએ મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે આઠ કલાકની પૂછપરછ પછી ધરપકડ કરી હતી. 30 મેએ હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.