નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. કેજરીવાલની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા છે.
મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપ અને આપના નેતાઓ વચ્ચે જોરદાર નિવેદન થયા હતા. ભાજપના નેતાઓ તરફથી અનેક વિવાદસ્પદ નિવેદનો આપવામાં આવ્યા જેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરવાની પણ ફરજ પડી હતી. તો બીજી તરફ ચૂંટણી પ્રચાર દરમ્યાન અરવિંદ કેજરીવાલે પણ અમિત શાહ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, દિલ્હી સર કર્યા પછી આમા આદમી પાર્ટીની નજર રાષ્ટ્રીય રાજકારણ પર છે. કેજરીવાલ દિલ્હી મૉડલ આગળ કરીને તેને રાષ્ટ્રીયસ્તરે રજૂ કરશે. જોકે ક્યારે તેવું થશે તે કહી શકાય નહીં. કેજરીવાલ અને આપને સમજાઈ ગયું હતું કે ભાજપ કે નરેન્દ્ર મોદી પર દરેક બાબતમાં પ્રહારો કર્યા કરવાથી કશો ફાયદો થવાનો નથી.