ટ્રમ્પનો પ્રવાસ: નજર 2.6 અબજ ડોલરની ડીફેન્સ ડીલ પર?

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ભારત માટે અનેક મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જોકે, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને અસંમજસની સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રમ્પે ભારત મુલાકાત પહેલાં કહ્યું છે કે, તેઓ ભારત સાથે મોટી વેપાર સમજૂતી કરવા માંગે છે પરંતુ આ ડીલ તેઓ ભારત મુલાકાત દરમિયાન નહીં કરે. તેમણે કહ્યું છે કે, તેઓ ખરેખર મોદીને ખૂબ પસંદ કરે છે પરંતુ હાલ તેઓ ટ્રેડ ડીલ નહીં કરી શકે તેઓ આ ડીલને આગામી સમય માટે બચાવીને રાખવા માંગે છે. ટ્રમ્પના આ નિવેદન પછી માનવામાં આવે છે કે, બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી થઈ જશે. નોંધનીય છે કે, ટ્રમ્પ 24-25 ભારતની મુલાકાતે આવવાના છે.

ટ્રેડ ડીલ ન થઈ શકે તો પણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે મહત્તવના શસ્ત્રો સોદાઓ થઈ શકે છે. આજે કેબિનેટ કમિટીની ઓન સિક્યોરિટી બેઠકમાં ટ્રમ્પના પ્રવાસ દરમ્યાન થનારા સરંક્ષણ સોદાઓને મંજૂરી મળી શકે છે. ભારત નૌકા દળ માટે વિશેષ હેલિકોપ્ટર ખરીદવા માગે છે. MH-60R સીહૉક પ્રકારના 24 હેલિકૉપ્ટર્સ ખરીદવા માટેની ડીલ થાય તેવી શક્યતા છે. લોકહીડ માર્ટીન કંપની આ હેલિકૉપ્ટર બનાવે છે. કંપની સાથે સોદો કરવામાં આવે તો મંજૂરી સહિતની લાંબી પ્રક્રિયા થાય કરવી પડે. તેના બદલે ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ફોરેન મિલિટરી સેલ્સ રૂટથી આ સોદો થાય તેવી શક્યતા છે. હેલિકૉપ્ટરના સોદાની કિંમત અઢી અબજ ડૉલરથી વધુની હશે.

અમેરિકાની જાણીતી કંપની બોઈંગ મિલિટ્રી એરક્રાફ્ટ્સ પણ બનાવે છે. બોઈંગ એફ-21 પ્રકારના વિમાનો ભારતને વેચવા માટે આતુર છે. તેના માટે પણ વાતચીત થઈ શકે છે. આ ઉપરાંત ડીલમાં વાયુસેના માટે 6 AH-64E Apache Attack હેલિકોપ્ટરની ખરીદીને પણ મંજૂરી મળી શકે છે, આ ડીલ 93 કરોડ ડોલરની હશે.