બુરાડીકાંડ: સામૂહિક આત્મહત્યાની એ ઘટના આમ બની ગઈ

નવી દિલ્હી- આશરે ચાર મહિના પહેલા દિલ્હીના બુરાડી વિસ્તારના એક ઘરમાંથી એક સાથે 11 મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી એક સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો હતો કે, આખરે આ 11 લોકોના મોતનું સત્ય શું છે?આ ભયંકર ઘટનાના ચાર મહિના બાદ આ મામલામાં દિલ્હી પોલીસે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, એ રાત્રે બુરાડીના તે ઘરમાં જે પણ ઘના બની તે હત્યા અથવા આત્મહત્યા નહતી પરંતુ તે માત્ર એક અકસ્માત હતો.

દેશ અને દુનિયાને ધ્રુજાવી દેનારી આ ઘટનાના સત્ય સુધી પહોંચવા દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે કંઈ જ બાકી રાખ્યું નહતું. અને હવે લગભગ ચાર મહિના પછી ક્રાઇમ બ્રાંચ એ નિષ્કર્ષ પર પહોંચ્યું કે, 1 જુલાઈ 2018ના રોજ સર્જાયેલો બુરાડી કાંડ હત્યા કે આત્મહત્યા નહીં પરંતુ અકસ્માત હતો.

હકીકતમાં ક્રાઇમ બ્રાંચે બુરાડીના આ મકાનમાંથી મળી આવેલા 11 મૃતદેહના મગજનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવ્યું હતું. જેના આધારે ક્રાઈમ બ્રાંચ એ નિર્ણય પર પહોંચી કે, આ ઘટના હત્યા અથવા આત્મહત્યા નહીં પણ દુર્ઘટના હતી.

આ મનોવૈજ્ઞાનિક એનાલિસિસ રિપોર્ટ છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, મનોવૈજ્ઞાનિક પરીક્ષણથી જાણવા મળ્યું છે કે, બુરાડી કાંડ એ આત્મહત્યા નહીં પણ પૂજા દરમિયાન થયેલો એક અકસ્માત હતો. મહત્વનું છે કે, આ અકસ્માતમાં સામેલ ઘરના કોઈપણ સદસ્યને એ વાતની જાણ નહતી કે, આમ કરવાથી તેમનું મૃત્યુ થશે.