નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને પર્યાવરણ રક્ષણની હિમાયતી જૂહી ચાવલાએ દેશમાં 5G વાયરલેસ નેટવર્ક નાખવાની વિરુદ્ધમાં નોંધાવેલા કેસને દિલ્હી હાઈકોર્ટે આજે ફગાવી દીધો છે. કોર્ટે તેના ઓર્ડરમાં કહ્યું કે, અરજદારોએ કાયદાની પ્રક્રિયાની મજાક ઉડાવી છે, અદાલતનો સમય બરબાદ કર્યો છે એટલે એમને રૂ. 20 લાખનો દંડ ફટકારવામાં આવે છે.
હાઈકોર્ટના જજ જે.આર. મિધાએ એમના ઓર્ડરમાં કહ્યું કે, એવું લાગે છે કે આ કેસ માત્ર પબ્લિસિટીને ખાતર કરવામાં આવ્યો છે. અરજદાર જૂહી ચાવલાએ સુનાવણીની લિન્ક સોશિયલ મિડિયા પર રિલીઝ કરી હતી, જેને કારણે કામકાજ ત્રણ વાર ખોરવાઈ ગયું. આ વિઘ્ન નાખનારાઓને દિલ્હી પોલીસ શોધી કાઢે અને એમની સામે પગલાં લે.
અરજદારોએ એમની અરજીમાં જણાવ્યું હતું કે 5G ટેક્નોલોજી માનવીઓ, પશુપ્રાણીઓ તેમજ દરેક પ્રકારના જીવ માટે કેટલી સુરક્ષિત છે એ વિશે જનતાને જણાવવાનો અદાલત સત્તાવાળાઓને આદેશ આપે. પરંતુ કોર્ટે આ કેસને ખામીભર્યો અને માત્ર મિડિયામાં પબ્લિસિટી મેળવવા માટેનો જ કહીને એને ફગાવી દીધો. કોર્ટે જૂહી ચાવલા તથા સામાજિક કાર્યકર્તાઓ વીરેશ મલિક અને ટીના વાછાની સવાલ પણ કર્યો હતો કે, ‘તમે 5G ટેક્નોલોજી સંબંધિત તમારી ચિંતાની સરકાર સમક્ષ રજૂઆત કર્યા વગર કોર્ટ કેસ શા માટે કર્યો?’