બનારસમાં ભાજપને હરાવોઃ કોંગ્રેસ પર મમતાના તીખા પ્રહાર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. મને નથી લાગતું કે કોંગ્રેસ 300માંથી 40 સીટો પણ જીતી શકશે. કોંગ્રેસ જ્યાં-જ્યાં જીતતી હતી, હવે ત્યાં પણ હારતી જાય છે. મને સમજમાં નથી આવતું કે પાર્ટીને આટલું અભિમાન કઈ વાતનું છે. જો કોંગ્રેસને હિંમત હોય તો એ બનારસમાંથી ભાજપને હરાવીને બતાવે, એમ મુર્શિદાબાદની એક જનસભામાં મમતા બેનરજીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મેં કોંગ્રેસને કહ્યું હતું કે બંગાળમાં બે સીટ લઈ લો, પણ તેમણે ના પાડી દીધી હતી. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બંગાળમાં આવી હતી, પણ મને જાણ સુધ્ધાં નહોતી કરવામાં આવી. અમે ઇન્ડિયા ગઠબંધનમાં છીએ, પરંતુ તેમ છતાં મને એની જાણ સુદ્ધાં નહોતી. મને વહીવટી તંત્રથી એ વિશે માલૂમ પડ્યું હતું.અમે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નથી જીત્યા. તમે રાજસ્થાનમાં પણ ચૂંટણી નથી જીત્યા. હિંમત છે તો અલાહાબાદ જઈને જીતીને બતાવો. વારાણસીમાં જીતીને બતાવો. અમે પણ જોઈએ તમારામાં કેટલી હિંમત છે?

મુર્શિદાબાદમાં રાહુલ ગાંધીની બીડી કામદારોની સાથે મુલાકાત પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે આજકાલ ફોટોશૂટનું નવું ચલણ જોવા મળી રહ્યું છે. જે લોકો ચાના સ્ટોલ પર નથી ગયા, તેઓ હવે બીડી કામદારોની સાથે બેસીને ફોટો ખેંચાવી રહ્યા છે. મમતા બેનરજીનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાર્ટી TMCની સાથે લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણીને લઈને ચર્ચા કરી રહી છે.