મુંબઈઃ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ ‘વાંધાજનક’ નિવેદનો કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થાણે શહેરની પોલીસે કેસ નોંધ્યો છે. થાણે નગર પોલીસ સ્ટેશનમાં રાહુલ સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) ફરિયાદ નોંધવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્ત્વવાળા શિવસેના જૂથના કાર્યકર્તા વંદના ડોંગરેએ આ ફરિયાદ નોંધાવી છે. એમનો આરોપ છે કે રાહુલ ગાંધીએ સાવરકર વિરુદ્ધ વાંધાજનક નિવેદનો કરીને નાગરિકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. પોલીસે આ ફરિયાદ ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમો 500 (માનહાનિ) અને 501 (બદનામીભરી બાબત હોવાની જાણ હોવા છતાં એનું પ્રિન્ટિંગ કરાવવું).
રાહુલ ગાંધી હાલ દેશભરમાં ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. એ યાત્રા હાલ મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે. ગઈ કાલે એમણે અકોલા જિલ્લાના એક ગામમાં પત્રકાર પરિષદ બોલાવી હતી અને એમાં તેમણે કહ્યું હતું કે સાવરકર જેલમાં હતા ત્યારે ડરના માર્યા એમણે માફીપત્ર લખીને બ્રિટિશ શાસકોને મદદ કરી હતી. એમ કરીને એમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ તથા અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
