નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા કોર્ટે નિર્ભયા ગેન્ગ રેપ કેસમાં નવું ડેથ વોરંટ જારી કર્યું છે. કોર્ટે 20 માર્ચે સવારે 5.30 કલાકે આરોપીઓને ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચોથા અપરાધી પવન ગુપ્તાની દયા અરજી કાઢતાં નિર્ભયાના અપરાધીઓના બધા કાનૂની વિકલ્પ એ જ દિવસે પૂરા થઈ ગયા હતા. બાકીના ત્રણ આરોપીઓની દયા અરજી પહેલાં જ રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ત્યાર બાદ તિહાર જેલનું વહીવટી તંત્ર નવી તારીખ માટે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યું હતું. તિહાર જેલના વહીવટી તંત્રએ કોર્ટને જણાવ્યું હતું કે નિર્ભયાના બધા આરોપીઓના તમામ કાનૂની વિકલ્પ ખતમ થઈ ચૂક્યા છે. હવે કોઈ આરોપીની કોઈ અરજી ક્યાંય પણ બાકી નથી. આવામાં કોર્ટે નવું ડેથ વોરન્ટ જારી કર્યું હતું. આ પહેલાં આરોપીઓને ફાંસી માટેનાં ડેથ વોરન્ટ ત્રણ વાર જારી થઈ ચૂક્યાં છે, પણ ત્રણે વાત તેમની ફાંસી ટળી ગઈ હતી.
કોર્ટ આજે ડેથ વોરન્ટ જારી કર્યું?
- આ પહેલાં સોમવારે પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેન્ગ રેપ મર્ડરના બધા આરોપીઓની ફાંચીની સજા પર સ્ટે મૂક્યો હતો, કેમ કે ચારમાંથી એક આરોપી પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હતી. જોકે રાષ્ટ્રપતિએ ચોથા આરોપી પવન ગુપ્તાની અરજી પણ ફગાવી દીધી હતી.
- સૌથી પહેલાં 22 જાન્યુઆરીએ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યાર બાદ એક ફેબ્રુઆરીએ ફાંસી નક્કી કરવામાં આવી હતી. જોકે આરોપીઓના વકીલે કાયદાની આંટીઘૂંટીમાં એને રદ કરાવી દીધી હતી.
- આરોપીઓ માટે આજે ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું, જે અનુસાર આ ચારે આરોપીઓને 20 માર્ચે સવારે 5.30 કલાકે તેમને ફાંસી અપાશે.
- દિલ્હી જેલની નિયમાવલિ અનુસાર મોતની સજાનો સામનો કરી રહેલા કોઈ પણ આરોપીઓને દયા અરજી ફગાવી દેવાયા બાદ તેને ફાંસી આપતાં પહેલાં 14 દિવસનો સમય આપવામાં આવે છે. બધા આરોપીઓને એકસાથે ફાંસી આપવામાં આવશે.
- નિર્ભયાના પિતાએ આશા દર્શાવી હતી કે આરોપીઓને આ મહિને ફાંસી અપાઈ જશે. તેમણે કહ્યું હતું કે (પવન)ની પાસે એક વિકલ્પ બચ્યો હતો. એ દયા અરજી કાઢી નખાયા પછી સુપ્રીમ કોર્ટમાં અન્ય આરોપીઓની જેમ તેને પડકારશે. જોઈએ હવે આગળ શું થાય છે? પરંતુ અમને ન્યાય મળવાનો વિશ્વાસ છે કે આરોપીઓને આ મહિને ફાંસી આપી દેવામાં આવશે. અમે ગણા લાંબા સમયથી એની પ્રતિક્ષા કરીએ છીએ.
- નિર્ભયાની સાથે 16, ડિસેમ્બર, 2012ના દિવસે દક્ષિણ દિલ્હીમાં એક ચાલતી બસમાં સામૂહિક બળાત્કાર કર્યા બાદ તેની સાથે હેવાનિયત કરવામાં આવી હતી. નિર્ભયાનું પછીથી સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં 29 ડિસેમ્બર, 2010એ મોત થયું હતું.
- આ મામલે ચારે અપરાધીઓ- મુકેશ સિંહ, અક્ષય ઠાકુર, પવનકુમાર ગુપ્તા અને વિનય શર્માને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. આ કેસના અન્ય બે આરોપીઓ- રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી અને બીજા એક સગીરને ત્રણ વર્ષની સજા પછી સુધાર ગૃહમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
- દિલ્હીની એક કોર્ટે 13 સપ્ટેમ્બર, 2013એ ચારે આરોપીઓને મોતની સજા સંભળાવી હતી. ત્યાર બાદ આ કેસમાં અનેક ઉતારચઢાવ આવ્યા.
- 10 માર્ચ, 2013એ રામ સિંહે જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
- 13 માર્ચ, 2014એ હાઇકોર્ટે નીચલી કોર્ટ દ્વારા અપાયેલી ફાંસીની સજા યથાવત રાખી હતી. એ પછી 5 મે, 2017એ સુપ્રીમ કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણતાં ફાંસીની સજા કાયમ રાખી હતી.
|