વીજમાગમાં વધારાને પગલે દિલ્હી-NCRમાં છવાશે અંધારું?

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં હાલના દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વધતા તાપમાન અને હીટવેવથી લોકો હેરાન-પરેશાન છે. હવે વીજકાપે દિવસનું સુખચેન અને રાતની ઊંઘ ખરાબ કરી નાખી છે. ગરમીથી બચવા એસી-કુલર અને પંખા દિવસ-રાત ચાલી રહ્યા છે. એને કારણે દિલ્હીમાં વીજમાગ વધી ગઈ છે.

દિલ્હીમાં સૌપ્રથમ વાર વીજની માગ 8000 MW થઈ હતી. રેકોર્ડ સ્તરે વીજ માગ હોવાને કારણે વીજ કાપનું સંકટ વધી ગયું છે. દિલ્હીના કેટલાક વિસ્તારો સહિત NCRના નોએડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના કેટલાક ભાગોમાં હાલના દિવસોમાં વીજકાપથી લોકો હેરાન-પરેશાન છે.

દિલ્હીમાં મંગળવારે બપોરે ત્રણ કલાક સુધી પીક વીજ માગ 7717 મેગાવોટ સુધી પહોંચી હતી. એ દિલ્હીના ઇતિહાસમાં સૌપ્રથમ વાર થયું હતું. આ પહેલાં 29 જૂન, 2022એ વીજ માગ 7695 MW હતી.

દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે મેમાં વીજ માગ પિક પર પહોંચી હતી, જેથી અંદાજ લગાવી શકાય છે કે જુલાઈ અને ઓગસ્ટમાં એ ઓર વધવાની શક્યતા છે. મે મહિનાની અપેક્ષાએ જુલાઈ, ઓગસ્ટમાં વીજ માગ 20 ટકા વધવાની શક્યતા છે.

દિલ્હીના કેટલાક વિસ્તારો સહિત નોએડાના 15 સેક્ટર સહિત ગામોમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે. ગ્રેટર નોએડા અત્યાર સુધી નો પાવર કટ ઝોનના નામથી ઓળખાય છે. કેટલાક કલાકોના વીજકાપને પગલે લોકો હવે રસ્તાઓ પર ઊતરી રહ્યા છે.