નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું છે કે ભારતની પહેલી કોરોના-વિરોધી રસી આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં NDRF નિર્મિત કામચલાઉ હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે આપણી એક કોવિડ-19 રસી ક્લિનિકલ ટ્રાયલમાં ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. અમને ખૂબ જ વિશ્વાસ છે કે આ વર્ષના અંત સુધીમાં એ રસી તૈયાર થઈ જશે.
ડો. હર્ષવર્ધને એમ પણ કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે આઠ મહિનાના જંગમાં ભારતે 75 ટકાનો શ્રેષ્ઠ રીકવરી રેટ હાંસલ કર્યો છે. કુલ 22 લાખ દર્દીઓ સાજા થઈને એમના ઘેર પાછા ફર્યાં છે અને બીજાં સાત લાખ દર્દીઓ ટૂંક સમયમાં જ સાજા થઈ જશે.
આપણે પુણેમાં માત્ર એક જ ટેસ્ટિંગ લેબોરેટરીથી શરૂઆત કરી હતી, પણ હવે આપણી પાસે કોવિડ-19 માટે 1,500 ટેસ્ટિંગ લેબ્સ છે. આપણે આપણી નિદાન ક્ષમતાને વધારે ને વધારે મજબૂત બનાવી રહ્યા છીએ. ગયા શુક્રવારે તો આપણા દેશમાં 10 લાખથી વધારે નમૂનાનું કોરોના ટેસ્ટિંગ કરાયું હતું.