મોદી સાથે સોમવારે વિડિયો કોન્ફરન્સઃ CMsને બોલવાનો મોકો અપાશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ કરવાના છે. આ બેઠક આવતીકાલે સોમવારે યોજાશે. લોકડાઉન લાગુ કરાયું ત્યારથી મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાન મોદીની આ પાંચમી બેઠક હશે. આ બેઠક ગત ચારેય બેઠક કરતાં લાંબી રહેવાની ધારણા છે. આ બેઠકમાં બધા મુખ્ય પ્રધાનોને વાત કરવાની એટલે કે બોલવાની તક મળશે એવું મનાય છે. આ બેઠક અત્યાર સુધીની સૌથી લાંબી બેઠક હશે, કારણ કે એમાં વડા પ્રધાન બધા મુખ્ય પ્રધાનોની વાત પણ સાંભળશે. દેશમાં આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે શરૂ કરવી જોઈએ અને કઈ રાહતો આપવી જોઈએ તે વિશે ચર્ચા કરવામાં આવે એવી ધારણા છે.

 સોથી વધુ દર્દીવાળાં રાજ્યો પર ફોકસ રહેશે

સૌથી વધુ કોરોના દર્દીઓની સંખ્યાવાળાં રાજ્યો પર આ બેઠકમાં ધ્યાન કેન્દ્રિત રહેશે. હાલના સમયે દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 20,228 કેસ છે. જ્યારે રાજ્યમાં 3800 કોરોના સંક્રમિત દર્દીઓ આ બીમારીમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. આ વાઇરસને કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 779 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

PM-CM બેઠક

આ પહેલાં વડા પ્રધાન મોદીની રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે 20 માર્ચ, બીજી એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલે બેઠક થઈ ચૂકી છે.

સોમવારે દેશવ્યાપી લોકડાઉનનો કુલ 48મો દિવસ હશે. લોકડાઉન ગઈ 25 માર્ચથી લાગુ કરવામાં આવ્યું છે. 21-દિવસના લોકડાઉનની પહેલી મુદત 14 એપ્રિલે પૂરી થયા બાદ એને 3 મે સુધી લંબાવવામાં આવી હતી. ત્યારબાદ એને ફરીથી લંબાવીને 17 મે સુધીની કરી દેવામાં આવી હતી.