નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળાથી આખી દુનિયા પરેશાન છે અને અસરકારક રસી શોધાઈ જાય એની સૌ રાહ જોઈ રહ્યા છે, પરંતુ અજમાયશોને પગલે, ખાસ કરીને હરિયાણાના પ્રધાન અનિલ વિજ કોરોના ટ્રાયલ રસી પોતાના શરીરમાં મૂકાવ્યા બાદ પણ ફરી કોરોના પોઝિટીવ થયા એને કારણે આ રસી સંબંધિત અમુક સવાલો પણ ઊભા થયા છે ત્યારે વિજ્ઞાનીઓ, નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ પણ રસી કોઈ પણ વ્યક્તિને બીમારીથી 100 ટકા રક્ષણ આપવાની ખાતરી આપી શકતી નથી.
નિષ્ણાતોએ સમજાવ્યું છે કે એન્ટીજન એક વાર શરીરમાં પ્રવેશ કરે તે પછી તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિની પ્રણાલીની તાકાત પર નિર્ભર કરે છે, જે રસી ચોક્કસ બીમારી સામે એન્ટીબોડીનું નિર્માણ કરી શકે.
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના મેડિસીન વિભાગના નિષ્ણાત ડો. એસ.પી. બિયોત્રાનું કહેવું છે કે જનતાને એવી ધારણા છે કે વ્યક્તિને એક વાર રસી મૂકાય તે પછી એ કોઈ પણ બીમારીના ચેપ સામે પ્રતિરક્ષિત થઈ જાય છે, પરંતુ આ એક એવું એન્ટીજન છે જે એક નિર્ધારિત સમયની અંદર એક વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે. ધારો કે કોઈ વ્યક્તિને રસી લીધા પછી પણ બીમારીનો ચેપ લાગે તો એમાં રસીની નિષ્ફળતા તરીકે માની ન લેવાય. ઘણી રસીને બે-ડોઝની જરૂર રહેતી હોય છે. પહેલો ડોઝ લીધા પછી 14-15 દિવસે બીજો, બુસ્ટર ડોઝ લેવો પડે છે. પહેલો ડોઝ અડધા ખોરાક જેવો હોય છે જે એન્ટીબોડીના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનું શરૂ કરે છે અને બીજો ડોઝ શરીરમાં એન્ટીબોડીઝનું ઉચ્ચ સ્તર જાળવી રાખે છે.