નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં વાઘણને કોરોના પોઝિટિવ આવતાં ભારતમાં પણ આ અંગેની ચિંતા ફેલાઈ છે. ભારતમાં દેશના તમામ પ્રાણી સંગ્રહાલયો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરી મુજબ, તમામ ઝૂ ઓથોરિટીને વધારાની સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત કોઈપણ અસામાન્ય વ્યવહાર માટે સીસીટીવી દ્વારા પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવા જણાવાયું છે.
સાથે જ દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રાણીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય ઝુ ઓથોરીટીએ તેની એડવાઈઝરીમાં કહ્યું કે, બિલાડી કૂળના પ્રાણીઓ પર ખાસ નજર રાખવા સૂચના આપઈ છે. જેમાં કોરોના લક્ષણો દેખાતા પ્રાણીઓને ક્વોરન્ટાઈન કરવા નિર્દેશ કર્યો છે. આ સાથે જ પ્રાણીઓની તપાસ માટે પ્રોપર ડ્રેસ પહેરવાનું પણ સૂચન કરાયું છે.
મહત્વનું છે કે, વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠને તેના રિપોર્ટમાં કહ્યું કે, સંક્રમિત જાનવર પોતાના દ્વારા સંક્રમણને અન્ય પશુઓમાં ફેલાવી શકે તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી. જોકે સંસ્થાએ પાલતુ પ્રાણીઓને માલિક શક્ય તેટલા ઘરમાં રાખે તેવી સલાહ આપી હતી.
