યાત્રીઓના અભાવે ફરી ખાનગી ટ્રેનોનું બુકિંગ બંધ!

નવી દિલ્હી: કોરોનાવાઈરસના વધતા જતા કહેર વચ્ચે લોકડાઉનના સમયગાળામાં વધારો કરવાના અણસાર દેખાઈ રહ્યા છે. તો આ તરફ ટ્રેનોમાં 1 મે 2020થી બુકિંગ ખોલવામાં આવ્યું છે. દેશમાં પ્રાઈવેટ ટ્રેનના સંચાલનની શરુઆત કરનારી કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આગમી 15 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ખાનગી ટ્રેનોનું પરિચાલન રદ કરી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં આ ટ્રેનોનું બુકિંગ ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે.

અધિકારીએ જણાવ્યું કે, લોકડાઉન પછીના સમય માટે ટ્રેનોમાં બુકિંગ ખોલવામાં આવ્યું તો રેલવેની લોકપ્રિય ટ્રેનોમાં તો બુકિંગને સારો પ્રતિસાદ મળ્યો. પરંતુ ખાનગી ટ્રેનોમાં બુકિંગ અપેક્ષા કરતા ઘણું ઓછું મળ્યું. એક દિવસમાં દોઢસો કે બસો યાત્રીઓનું બુકિંગ મળી રહ્યું છે. આટલા યાત્રીઓને લઈને આખી ટ્રેન ચલાવવી મુશ્કેલ છે. એટલા માટે આ ટ્રેનોને એપ્રિલ મહિના સુધી રદ કરી દીધી છે. આગમી એક મે મહિનાથી બુકિંગ ખુલ્લુ છે અને જે યાત્રી ઈચ્છે એ બુકિંગ કરાવી શકે છે.

જેને બુકિંગ કરાવ્યું તેમને રિફંડ મળશે

અધિકારીનું કહેવું છે કે, જે અધિકારીઓએ 15થી 30 એપ્રિલ 2020 વચ્ચે યાત્રા માટે તેજસ એક્સપ્રેસમાં બુકિંગ કરાવ્યું હતુ, તેને રિફંડ આપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 24 માર્ચથી લોકડાઉનની જાહેરાત પછી રેલવેએ 21 દિવસ માટે 13,523 ટ્રેનોની સેવાઓને સ્થગિત કરી દીધી હતી. આજ કારણે ખાનગી ટ્રેનોનું સંચાલન પણ બંધ થયું હતું.

પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે, રેલવે અત્યારે નફો નહીં પણ યાત્રીઓની સુરક્ષા અંગે વિચારી રહ્યું છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, કોરોના વધુ ન ફેલાય. લોકડાઉન પછી તમામ યાત્રીઓને અપીલ કરવામાં આવશે કે માસ્ક વગર સફર ન કરે, તેમના સ્વાસ્થ્યને મોટો ખતરો થઈ શકે છે.