અત્યારે જ્યારે આખું વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. વડીલોને કોરોના વાયરસનો ચેપ લાગવાનો ભય વધારે રહોતો હોય છે. ત્યારે આવા સમયમાં કેરળના 93 અને 88 વર્ષિય દંપતીએ પોતાની સરળ જીવનશૈલી અને પૌષ્ટિક ભોજનની મદદથી આ બિમારીને હરાવીને તમામ લોકો સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે. ઘણા દિવસો સુધી ગંભિર સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી રહ્યા બાદ બંન્ને કોરોના વાયરસથી મુક્ત થયા તેને મેડિકલ ક્ષેત્રના લોકો એક ચમત્કાર ગણાવી રહ્યા છે.
હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ભરતી રહ્યા તે દરમિયાન 93 વર્ષના થોમસ અબ્રાહમે પોતાના ખાનપાનનો અંદાજ ન બદલ્યો. ત્યાં પણ તેઓ ચોખાથી બનેલી વાનગી પઝનકાંજી, કપ્પા અને કટહલ જ ખાઈ રહ્યા હતા.
થોમસ અને મરિયમ્માને આ સંક્રમણ ઈટલીથી ગત મહિને પાછા આવેલા તેમના દિકરા, વહુ, અને પૌત્ર પાસેથી લાગ્યું હતું. જો કે હવે પરિવારના પાંચેય સભ્યો સંક્રમણથી મુક્ત છે અને એક સાથે રહેવાની રાહ જોઈ રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે આ વડીલ દંપતિને સંભવતઃ બુધવારના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બંન્ને કોટ્ટાયમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ હતા.
થોમસના પૌત્ર રિજો મોન્સીએ હસતા-હસતા કહ્યું કે, એવું લાગે છે કે બંન્ને પોતાની લાઈફ સ્ટાઈલના કારણે સ્વસ્થ થઈ શક્યા છે. તેણે જણાવ્યું કે, મારા દાદા પથનથિટ્ટા જિલ્લાના રાનીમાં ખેતી કરે છે અને કોઈપણ પ્રકારનું વ્યસન તેમને નથી. મારા દાદા જીમ નથી જતા છતાય તેમને સિક્સ પેક છે.
ઈટલીમાં રેડિયોલોજીના ક્ષેત્રમાં કામ કરનારા રિજોનું કહેવું છે કે, આ ચમત્કાર છે કે તેઓ આ મહામારીથી બચી ગયા, ડોક્ટરો અને સ્વાસ્થ્ય વિભાગે તેમને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા.