નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં કોરોના વાઈરસના વધતા જતા કહેરને પગલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પ્રિયંકાગાંધીએ આ પત્રમાં લખ્યું છે કે ગઈકાલે રાજ્યમાં 2500 કેસ નોંધાયા છે. નવા દર્દીઓની સંખ્યામાં પૂર જેવી સ્થિતિ છે. મહાનગરો ઉપરાંત ગામડાઓ પણ કોરોનાથી અછૂત નથી. પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે તમારી સરકારે ‘નો ટેસ્ટ, નો કોરોના’ નીતિ અપનાવી છે. જેના કારણે પરિસ્થિતિ વિસ્ફોટક બની છે. જ્યાં સુધી પારદર્શક અભિગમ દાખવવામાં નહીં આવે ત્યાં સુધી કોરોના સામેની લડાઈ અધૂરી રહેશે અને પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
તેમણે પત્રમાં આગળ લખ્યું કે, હોસ્પિટલોની હાલત ખૂબ ખરાબ છે. લોકો સુવિધાના અભાવે ડરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકો ટેસ્ટ માટે આવતા નથી. સરકારની આ નિષ્ફળતા છે. કોરોનાનો ડર બતાવીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના પર અંકુશ નહીં મૂકવામાં આવે તો સ્થિતિ આપત્તિમાં ફેરવાશે. તમારી સરકારે એવો દાવો કર્યો છે કે બે લાખ પથારીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પણ હોસ્પિટલમાં માત્ર 20 હજાર દર્દીઓ આવતા અફરાતફરી મચી ગઈ છે. તેમણે સવાલ કર્યો કે જો હોસ્પિટલોમાં ભીડ છે, તો યુપી સરકાર મહારાષ્ટ્ર અને દિલ્હીની જેમ અસ્થાયી (હંગામી) હોસ્પિટલો કેમ નથી બનાવી રહી?
તેમણે વધુમાં લખ્યું કે, વડાપ્રધાન બનારસના સાંસદ સભ્ય છે, સંરક્ષણ પ્રધાન લખનૌથી સાંસદ સભ્ય છે અને ઘણા પ્રધાનો ઉત્તર પ્રદેશના છે, તો પછી વારાણસી, લખનૌ અને આગ્રા જેવા શહેરોમાં હંગામી હોસ્પિટલો કેમ ન ખોલવામાં આવી શકે.
આ સાથે જ પ્રિયંકા ગાંધીએ હોમ આઈસોલેશનને લઈને પણ યોગી સરકારને સલાહ આપતા કહ્યું કે ઉતાવળમાં તેનો અમલ ન કરી શકાય. પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું, ‘સર, પરિસ્થિતિ ગંભીર બની રહી છે. હું તમને વિનંતી કરું છું કે કોરોના સામેની આ લડાઈ ફક્ત પ્રચાર કે ન્યૂઝ મેનેજ કરીને ન લડી શકાય.