નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ભારતમાં રોજ મહામારી ફેલાવાની ગતિમાં તેજી આવી રહી છે. ત્યારે સરકારને હોસ્પિટલોમાં ન માત્ર ડોક્ટર્સની જરુર છે પરંતુ હોસ્પિટલ તંત્રને સંભાળનારા લોકોની પણ જરુર છે.લોકડાઉનમાં ઢીલ બાદ ધીમે-ધીમે બધુ પૂર્વવત થવા તરફ આગળ ધપી રહ્યું છે પરંતુ સંક્રમિતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોદી સરકાર એક નવી યોજના પર કામ કરી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કાર્મિક મંત્રાલય એવા IAS અને IPS તેમજ અન્ય કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરી રહ્યું છે કે જેમણે મેડિકલનો અભ્યાસ કર્યો છે અને તેમની પાસે એમબીબીએસની ડિગ્રી છે. આ કવાયતનો ઉદ્દેશ્ય એવા અધિકારીઓને સીધે-સીધા કોરોનાથી લડવા માટે મેદાને ઉતારવાનો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ પ્રકારના અધિકારીઓને એ હોસ્પિટલોમાં તેનાત કરવાની યોજના છે કે, જ્યાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે મીડિયાને વિગતો આપી હતી.
કાર્મિક મંત્રાલય એવા અધિકારીઓનો ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે. કારણ કે કોરોના વાયરસના સતત વધતા કેસોને ધ્યાને રાખતા આવા લોકોની જરુર છે કે જે લોકો એક મેનેજર હોવાની સાથે ડોક્ટર પણ હોય. જો કે, હજી એ સ્પષ્ટ નથી કે આ અધિકારીઓને સીધા જ ડોક્ટરો વાળી સેવાઓ આપવા માટે કહેવાશે કે નહી. શક્યતા છે કે, શરુઆતમાં આ અધિકારીઓને કોરોનાની સારવાર કરી રહેલી હોસ્પિટલોમાં મેનેજમેન્ટ અને સમન્વય જેવા કામો સોંપવાની યોજના છે. જો કે, આગળ જતા જરુર પડ્યે તેમને એક ડોક્ટર તરીકે કામ પણ સોંપવામાં આવી શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસોમાં રોજ 10000 જેટલો વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હોસ્પિટલ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાણ વધી ગયું છે. તો આ સિવાય અર્થવ્યવસ્થાની સ્થિતિ પણ નાજુક થતી દેખાઈ રહી છે. ત્યારે સરકારને હોસ્પિટલોમાં બેડની સાથે પ્રશિક્ષિત લોકોની પણ જરુર છે કે જે આ મહામારી સામે લડવામાં પોતાનું યોગદાન આપી શકે.