નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા બે લાખથી વધુ થઈ ગઈ છે અને અત્યાર સુધી 5815થી લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દિલ્હી, બંગાળ, કર્ણાટક, હરિયાણા અને તામિલનાડુમાં એક દિવસમાં રેકોર્ડ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં 1298 નવા કેસ સામે આવ્યા છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 1,00303 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સંક્રમિતોની સંખ્યા 2,07,615 લાખ થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 8909 નવા કેસ સામે આવ્યા છે અને 217 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ વધીને 48.31 ટકા થયો છે.
અમેરિકામાં 18 લાખથી વધુ કેસ
અમેરિકામાં કોરોનાના 18 લાખથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાં છે. અમેરિકામાં અત્યાર સુધી 1,05,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે બ્રાઝિલ બીજા ક્રમાંકે છે, અહીં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 5,26,000 છે. અત્યાર સુધી અહીં 30,000 લોકોનાં મોત થયાં છે. સક્રિય કેસોની વાત કરીએ તો અમેરિકામાં 12.47 લાખ, બ્રાઝિલ 2.85 લાખ, રશિયામાં 2.33 લાખ, બ્રિટનમાં 2.37 લાખ, સ્પેનમાં 62,000 અને ઇટાલીમાં 41,000થી વધુ સક્રિય કેસો છે.