‘નિસર્ગ’ વાવાઝોડું ફૂંકાયું; સદ્દભાગ્યે મુંબઈ મોટા નુકસાનમાંથી બચી ગયું

મુંબઈઃ ભયાનક ચક્રવાતી વાવાઝોડા ‘નિસર્ગ’એ આગાહી મુજબ આજે બપોરે લગભગ એક વાગ્યાના સુમારે મહારાષ્ટ્રમાં રાયગડ જિલ્લાના સમુદ્રકાંઠા પર લેન્ડફોલની શરૂઆત કરી હતી. વાવાઝોડું મુંબઈની પડોશના રાયગડ જિલ્લાના અલીબાગના દરિયાકાંઠા પર ત્રાટક્યું હતું. આ સાથે જ રાયગડ, મુંબઈ, પાલઘર અને થાણે જિલ્લાઓ માટે હવે પછીના 3 કલાક મહત્ત્વના બની ગયા હતા. જોકે ભારતીય હવામાન વિભાગે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે મુંબઈ શહેર અને જિલ્લો નિસર્ગ વાવાઝોડાની માઠી અસરમાંથી બચી જાય એવી ધારણા છે. ચાર વાગ્યા પછી વાવાઝોડાનું જોર ઓસરી ગયું હતું અને મહાનગર મોટા નુુકસાનમાંથી ખરેખર બચી ગયું હતું.

અહેવાલો અનુસાર બપોરે એક વાગ્યાથી અલીબાગ વિસ્તારમાં પવનની ગતિ પ્રતિ કલાક 120 કિ.મી.ની રહી હતી અને વરસાદ પણ ધોધમાર પડ્યો હતો.

ખાનગી સ્કાયમેટ વેધરનું અનુમાન હતું કે વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વરસાદ તથા પવનની ગતિ હવે પછીના એક કલાકમાં વધારે બગડી શકે છે. ટીવી પરની તસવીરો અને સોશિયલ મિડિયા પરની જાણકારી પરથી માલુમ પડ્યું હતું કે રાયગડ અને રત્નાગિરી જિલ્લાઓમાં તેજ પવનને કારણે અનેક ઠેકાણે મકાનોના છાપરા ઉડી ગયા હતા અને ઝાડ ઉખડી ગયા હતા.

મહારાષ્ટ્રમાં, સજાગ રહેલા વહીવટીતંત્રોએ સમુદ્રકાંઠા પર અને નિચાણવાળા ભાગોમાં રહેતા આશરે 1 લાખ લોકોનું ગઈ કાલથી સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરી દીધું છે.

નવી મુંબઈમાં અનેક ભાગોમાં કલાકના 70 કિ.મી.ની તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો હતો. એને કારણે અનેક ઝાડ ઉખડી ગયા હતા. મુંબઈમાં 4 વાગ્યાની આસપાસ વાવાઝોડું ત્રાટકે એવી સંભાવના હતી. પરંતુ જે ડર હતો એવું સદ્દભાગ્યે બન્યું નહોતું. મુંબઈમાં દક્ષિણ ભાગમાં વરસાદ ધોધમાર હતો, પણ ઉત્તર તરફના ભાગોમાં વરસાદ અને પવનની ગતિ સાધારણ હતી.

મુંબઈ એરપોર્ટ પર વરસાદને કારણે ધરતી લપસણી થતાં એક કાર્ગો વિમાન રનવે પર સરકી ગયું હતું. તેથી એરપોર્ટને સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું.

મુંબઈમાં વરલી-સી લિન્ક વિસ્તારમાં પવનની ગતિ ખૂબ તેજ હતી. જોકે પ્રતિ કલાક 100 કિ.મી.ના આંકે પહોંચી નહોતી. બાન્દ્રા-વરલી સી લિન્ક પર બપોરે ટ્રાફિક સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

પવનના જોરને કારણે કોઈ પણ વાહન ઉડીને દરિયામાં પડી શકવાનું જોખમ હતું એટલે બાન્દ્રા-વરલી સી લિન્ક બંધ કરી દેવાયો હતો સદ્દભાગ્યે આજે વાવાઝોડાને કારણે મુંબઈમાં કોઈ મોટી દુર્ઘટના થઈ નથી.

વાઝોડાને કારણે મુંબઈ આવતી અનેક ફ્લાઇટોને હાલપૂરતી રદ કરવામાં આવી છે. જ્યારે અનેક રેલવેએ પણ અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે.

દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શરૂઆત થઈ

ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, નિસર્ગ ચક્રવાતના ઉત્તર-પૂર્વ ભાગે જમીન પર પ્રવેશ કરવાની શરૂઆત કરી છે. એ સાથે જ રત્નાગિરી, અલીબાગના દરિયાકિનારા પર પાણીના મોજાં વિકરાળ સ્વરૂપે ઉછળી રહ્યા છે. ત્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યાલય તરફથી મુંબઈ ઉપરાંત રાજ્યના કાંઠા વિસ્તારના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વાવાઝોડું નિસર્ગ ત્રાટકવાનું હોવાથી તેઓ બુધવાર અને ગુરુવાર, એમ બે દિવસ ઘરમાં જ રહે. NDRFની 16 ટીમોમાંથી 10ને રાજ્યના તટવર્તી ક્ષેત્રોમાં તહેનાત કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે પણ હાઈ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યના તમામ કાંઠાળ વિસ્તારો-ચોપાટીઓ ખાતે લોકોને ભેગા થતા રોકતી 144મી કલમ લાગુ કરી દેવાઈ છે. મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે પોલીસોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.

ગુજરાતના કાંઠા પરથી વંટોળનું સંકટ ટળ્યું, પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આ ‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વડા પ્રધાન મોદીએ અમિત શાહની સાથે બેઠક કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નિસર્ગ’ વાવાઝોડાને લઈને ગઈ કાલે મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય પ્રધાનો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. કેન્દ્ર દ્વારા તમામ સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે NDMA અને NDRFની સાથેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

NDRFએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 40 ટીમો તહેનાત કરી

NDRFએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 40 ટીમો તહેનાત કરી છે અને વધારાની ટીમોને પણ એરલિફ્ટ કરી છે. નૌસેના અને હવાઈ સેનાને જહાજો અને વિમાનોની સાથે સેના અને નૌ સેનાને બચાવન અને રાહત ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મૂંઈ પોલીસે આ ચક્રવાને ધ્યાનમાં રાખતાં લોકોને દરિયાકિનારે જવા રોકવા માટે શહેરમાં કલમ 144 લગાવી દીધી છે.

 પાલઘર જિલ્લાનાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું

પાલઘર જિલ્લાનાં ગામોથી 21,000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. માછીમારોને ચાર જૂન સુધી સમુદ્રમાં ના જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. NDRFની 10 ટીમોને તહેનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ 47 ગામોમાંથી આશરે 20,000 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે.